નેપાળમાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધ તો ઉંટ પરનું છેલ્લું તણખલું છે: ધુંધવાટ તો હતો જ
પડોશી દેશ નેપાળમાં સોશિયલ મીડીયા પર પ્રતિબંધના પગલે ફાટી નીકળેલી હિંસા બાદ સરકારે પારોઠના પગલાં ભર્યા છતાં હિંસા ને અટકી. ઝડપી ઘટનાક્રમોમાં પી.એમ. કે.પી. શર્મા ઓલીએ રાજીનામું આપી દીધું છે. તાજા અહેવાલો મુજબ લશ્કરે દેશની ધૂરા સંભાળી લીધી છે પણ આગળ જતાં સ્થિતિ કેવો વળાંક લેશે તે કહેવું મુશ્કેલ છે.
ઓલી તો સમયસૂચકતા બતાવીને બચી ગયા પણ નેપાળમાં રહી ગયેલા બીજા રાજકારણીઓની હાલત ખરાબ છે. લોકો ઓલી સરકારના મંત્રીઓને તો રસ્તા પર દોડાવી દોડાવીને ફટકારી જ રહ્યા છે પણ ભૂતપૂર્વ વડા પ્રધાનો સહિતના રાજકારણીઓનો પણ વારો પડી ગયો છે.
દેખાવકારોએ ભૂતપૂર્વ વડા પ્રધાન શેર બહાદુર દેઉબાને ઘરમાં ઘૂસીને ફટકાર્યા ને ઘર સળગાવી દીધું. ભૂતપૂર્વ વડા પ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડનું ઘર પણ સળગાવી દેવાયું છે તો કોમ્યુનિકેશન મંત્રી પૃથ્વી સુબ્બા ગુરુંગ અને ગૃહ મંત્રીનાં ખાનગી નિવાસસ્થાનોમાં પણ આગ લગાવીને લોકોએ સળગાવી દીધાં છે. ઓલીનું પોતાનું ઘર પણ સળગાવી દેવાયું છે. ઓલી સરકારના નાણામંત્રી વિષ્ણુ પોડોલ કાઠમંડુમાં તેમના ઘર પાસે ભાગી રહ્યા હોય અને દેખાવકારો તેમને ફટકારી રહ્યા હોય તેનો વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. રાજધાની કાઠમંડુમાં ભૂતપૂર્વ વડા પ્રધાન ઝાલાનાથ ખનાલના ઘરમાં આગ લગાડાઈ તેમાં ખનાલનાં પત્ની રાજ્યલક્ષ્મી ચિત્રકર અત્યંત ગંભીર રીતે દાઝી ગયાં છે અને જીવનમરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યાં છે.
નેપાળની હિંસાએ ભારતીયોને આંચકો આપ્યો છે પણ વાસ્તવમાં નેપાળમાં લાંબા સમયથી અશાંતિ હતી જ. ચીનના પીઠું ઓલીને સ્પષ્ટ બહુમતી નહોતી મળી તેથી શેર બહાદુર દેઉંબાની નેપાળી કોંગ્રેસ સાથે મળીને સરકાર બનાવી હતી. સવા વરસ પહેલાં એટલે કે જુલાઈ 2024થી ઓલી સરકાર ચલાવતા હતા સરકાર બની તેના થોડા મહિના પછી જ અસંતોષ શરૂૂ થઈ ગયેલો. તેનું કારણ મંત્રીઓનો બેફામ ભ્રષ્ટાચાર અને ભાઈ-ભત્રીજાવાદ છે. ભારતની જેમ નેપાળમાં પણ રાજકારણીઓ પોતાનાં સગાંને આગળ કરે છે ને રાજકીય પક્ષો બાપીકી પેઢી બની ગઈ છે. ઓલીની સરકારના રાજમાં રોજગારી પેદા નહોતી થતી તેથી બેરોજગારોની ફોજ વધતી હતી. તેના કારણે પણ આક્રોશ વધી રહ્યો હતો. બીજી તરફ રાજાશાહીના સમર્થકો પણ ફરી રાજાશાહી લાવવા માટે મેદાનમાં આવી ગયા હતા તેથી . અંદરખાને જોરદાર ધૂંધવાટ હતો જ.