પાક.ના સુરબ શહેર કબજે કર્યાનો બલૂચ આર્મીનો દાવો
બલૂચ લિબરેશન આર્મીએ એક મોટો દાવો કર્યો છે, જે ખૂબ જ ચોંકાવનારો છે. બલુચિસ્તાનની સ્વતંત્રતા માટે લડી રહેલા બલુચ લિબરેશન આર્મીના પ્રવક્તાએ કહ્યું છે કે તેમણે પાકિસ્તાનના એક શહેર પર કબજો કરી લીધો છે. બલૂચ આર્મીએ દાવો કર્યો છે કે તેણે બલૂચિસ્તાનના કલાત ડિવિઝનમાં સ્થિત સુરબ શહેર પર કબજો કરી લીધો છે. ગઇકાલે જારી કરાયેલા એક નિવેદનમાં, BLAના પ્રવક્તા ઝીયાંદ બલોચે જણાવ્યું હતું કે જૂથના લડવૈયાઓએ સુરાબ પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી લીધું છે, સુરક્ષા કર્મચારીઓને નિ:શસ્ત્ર કરી દીધા છે
અને બેંક, લેવી સ્ટેશન અને પોલીસ સ્ટેશન સહિત મુખ્ય સરકારી સ્થાપનો પર કબજો કરી લીધો છે.
BLA દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે આ અંગે ટૂંક સમયમાં એક નિવેદન બહાર પાડવામાં આવશે.
સ્થાનિક સૂત્રો અને પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, સેંકડો સશસ્ત્ર લડવૈયાઓએ સુરબ પર હુમલો કર્યો અને પોલીસ સ્ટેશન, બેંકો અને અનેક સરકારી કચેરીઓ પર કબજો કર્યો, ધ બલૂચિસ્તાન પોસ્ટના અહેવાલ મુજબ. તેઓએ ત્યાં હાજર સુરક્ષા કર્મચારીઓના હથિયારો છીનવી લીધા. આ સાથે, એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે સશસ્ત્ર બલૂચ લડવૈયાઓએ ઘણા અધિકારીઓને પણ પોતાની કસ્ટડીમાં લીધા છે. હુમલા દરમિયાન બલૂચ લડવૈયાઓએ અનેક સરકારી વાહનોને આગ ચાંપી દીધી છે.