ઓડીના ઈટાલીના ચીફનું પર્વત પરથી પડી જતાં મોત
62 વર્ષના ફેબ્રિજિયો લોગો એડમેલો 700 ફૂટ નીચે ગબડ્યા
ઇટાલીમાં લક્ઝરી કાર બ્રાન્ડ ઓડીના ચીફ ફેબ્રિજિયો લોંગો (62 વર્ષ)નું 10 હજાર ફૂટ ઊંચા પર્વત પરથી પડી જવાને લીધે મોત થયું છે. તેઓ ઇટાલી-સ્વિત્ઝરલેન્ડ બોર્ડરની પાસે એડમેલો પર્વતના શીખર પર ચડી રહ્યા હતા. તેઓ શીખર પર પહોંચવાથી થોડેક દૂર હતા, એ પહેલા તેમનું સંતુલન બગડી ગયું હતું અને એ ઊંડી ખીણમાં પડી ગયા હતા. હેલિકોપ્ટર ટીમ તેમની શોધખોળમાં લાગી હતી. તેમનો મૃતદેહ 700 ફૂટ નીચે પડેલી હાલતમાં મળી આવ્યો અને જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. ઓડીના ચીફ ફેબ્રિજિયો લોંગોના મૃતદેહને કરિસોલો હોસ્પિટલમાં આગળની તપાસ માટે રાખવામાં આવ્યો છે.
બ્રિટિશ મીડિયા રિપોર્ટ મુજબ, જ્યારે ફેબ્રિજિયો લોંગો ખીણમાં પડી ગયા તો તેમને કેટલાક સુરક્ષા ઉપકરણો પહેરેલા હતા. પોલીસ સમગ્ર ઘટનાની તપાસમાં લાગી છે કે સેફ્ટી અપનાવ્યા પછી પણ આ ઘટના કેવી રીતે બની. પોલીસે વધુમાં કહ્યું કે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી જ સ્થિતિ સ્પષ્ટ થઈ શકશે. પોસ્ટમોર્ટમ પછી તેમનો મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે, ત્યાર પછી તેમના અંતિમ સંસ્કારની જાહેરાત કરવામાં આવશે.
1987માં તેમણે ફિએટમાંથી પોતાની કારકિર્દીનો આરંભ કર્યો હતો.ફેબ્રિજિયો લોંગોએ વર્ષ 2012માં ઓડીની સાથે પોતાની કેરિયરનો આરંભ કર્યો અને એક વર્ષમાં જ ઇટાલીમાં ઓડીના ચીફ બની ગયા હતા. એ પર્યાવરણ સંરક્ષણના સમર્થક હતા.