'હુમલા રોકી શકાતા નથી, યુદ્ધવિરામ ભંગનો બદલો જરૂરી...', ટ્રમ્પની ધમકી પર નેતન્યાહૂનો જવાબ, તેહરાન પર મિસાઇલ છોડી
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધવિરામ જાહેર થયાના થોડા કલાકો બાદ જ પરિસ્થિતિ ફરી વણસી છે. આજે ઈઝરાયલે તેહરાન નજીક ઈરાની રડાર સાઇટ પર હવાઈ હુમલો કર્યો. એક્સિઓસ અનુસાર, ઈઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને સ્પષ્ટ કર્યું કે આ હુમલાને ટાળવું શક્ય નથી અને ઈરાનની કાર્યવાહીના જવાબમાં કંઈક કરવું જરૂરી છે.
ઈઝરાયલે તેને 'મર્યાદિત બદલો' તરીકે વર્ણવ્યું છે. ઈઝરાયલનો દાવો છે કે ઈરાન દ્વારા યુદ્ધવિરામ ભંગ કરીને બે બેલિસ્ટિક મિસાઈલ છોડવાના જવાબમાં આ હુમલો કરવામાં આવ્યો છે. દરમિયાન, ઈરાની મીડિયા મિઝાન અને શાર્ગે અહેવાલ આપ્યો છે કે ઈઝરાયલે ઉત્તર ઈરાનના બાબોલસર શહેર પર હુમલો કર્યો છે. તે જ સમયે, ઈઝરાયલી આર્મી રેડિયોએ પુષ્ટિ આપી છે કે તેહરાન નજીક એક રડાર સાઇટને નિશાન બનાવવામાં આવી હતી.
ટ્રમ્પે નારાજગી વ્યક્ત કરી
તે જ સમયે, ટ્રમ્પે વ્હાઇટ હાઉસના લૉન પર મીડિયા સાથે વાત કરતી વખતે આ સમગ્ર ઘટના પર નારાજગી વ્યક્ત કરી. ઈરાન-ઈઝરાયલ યુદ્ધ પર ટિપ્પણી કરતી વખતે, તેમણે ગુસ્સામાં અપશબ્દોનો ઉપયોગ કર્યો અને કહ્યું, 'તેઓ એટલા લાંબા સમયથી લડી રહ્યા છે કે તેઓ પોતે જાણતા નથી કે તેઓ શું કરી રહ્યા છે.'
'મેં કહ્યું હતું કે બોમ્બ ના ફેંકો'
ટ્રમ્પે કહ્યું કે તેઓ બંને પક્ષો, ખાસ કરીને ઇઝરાયલથી ગુસ્સે છે, જેણે યુદ્ધવિરામ છતાં કાર્યવાહી કરી. ટ્રમ્પે ભારપૂર્વક કહ્યું, 'મેં સ્પષ્ટપણે કહ્યું હતું કે - બોમ્બ ના ફેંકો, તમારા પાઇલટ્સને પાછા બોલાવો.' પરંતુ આ છતાં હુમલો થયો.
ઇરાને ચેતવણી આપી છે કે તેનો જવાબ ઝડપી અને 'બમણું વિનાશક' હશે. ઇરાની રિવોલ્યુશનરી ગાર્ડ (IRGC)એ સ્પષ્ટ કર્યું છે કે 'આ ચેતવણી નથી, પરંતુ શરૂઆત છે.'