બાંગ્લાદેશના એરફોર્સ બેઝ પર હુમલો, એકનું મોત, સેનાએ મોરચો સંભાળ્યો
બાંગ્લાદેશમાં એરફોર્સ બેઝ પર હુમલો થયો છે. સોમવારે કોક્સ બજાર શહેરમાં એરફોર્સ બેઝને કેટલાક હુમલાખોરોએ નિશાન બનાવ્યું હતું, જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું. બાંગ્લાદેશ આર્મીની મીડિયા વિંગ ઇન્ટર-સર્વિસ પબ્લિક રિલેશન્સ (ISPR) એ જણાવ્યું છે કે આ હુમલો નજીકના સમિતી પારા વિસ્તારમાંથી કેટલાક બદમાશો દ્વારા કરવામાં આવ્યો હતો. આ પછી સેનાએ પરિસ્થિતિને કાબુમાં લીધી અને ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કર્યા.
કોક્સ બજારના ડેપ્યુટી કમિશનર મોહમ્મદ સલાહુદ્દીને જણાવ્યું હતું કે બપોરે 12 વાગ્યાની આસપાસ બનેલી આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું અને ઘણા લોકો ઘાયલ થયા હતા. બે પક્ષો વચ્ચેના અથડામણને કારણે આ ઘટના બની હોવાનું પણ સામે આવી રહ્યું છે. કોક્સ બજાર જિલ્લા સદર હોસ્પિટલના પોલીસ બોક્સ ઈન્ચાર્જ સૈફુલ ઈસ્લામે જણાવ્યું કે સ્થાનિક વેપારી શિહાબ કબીરને ગોળી વાગી છે.
સ્થાનિક મીડિયા અનુસાર, બાંગ્લાદેશી સેના કોઈને પણ ઘટના સ્થળની નજીક જવા દેતી નથી. સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો છે અને તપાસ ચાલી રહી છે. જેના કારણે સમગ્ર વિસ્તારમાં સ્થિતિ તંગ બની છે. પ્રશાસને લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે. હજુ સુધી કોઈ સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી. સુરક્ષા એજન્સીઓ હુમલાખોરોની ઓળખ કરવાનો અને તેમના હેતુને શોધવાનો પ્રયાસ કરી રહી છે.