જેલમાં મને કંઈ થાય તો તેના માટે આર્મી ચીફ મુનીર જવાબદાર: ઈમરાન
ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI) 5 ઓગસ્ટથી દેશભરમાં એક વિશાળ વિરોધ પ્રદર્શન શરૂૂ કરવા જઈ રહી છે, જેના હેઠળ શાહબાઝ શરીફ સરકાર અને લશ્કરી સંસ્થાન પર ખાનને મુક્ત કરવા માટે દબાણ લાવવામાં આવશે. લાંબા સમયથી જેલમાં રહેલા પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાને એક મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે જો જેલની અંદર તેમને કંઈ થશે તો તેના માટે આર્મી ચીફ ફિલ્ડ માર્શલ અસીમ મુનીર જવાબદાર રહેશે.
ઈમરાન ખાનની સોશિયલ મીડિયા પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે તાજેતરના દિવસોમાં જેલમાં મારી સાથે થતી ક્રૂરતામાં વધારો થયો છે. મારી પત્ની બુશરા બીબી સાથે પણ આ જ પ્રકારનો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. તેમના સેલમાં ટેલિવિઝન પણ બંધ કરી દેવામાં આવ્યું છે. અમને બંનેને અમારા માનવીય અને કાનૂની અધિકારોથી વંચિત રાખવામાં આવ્યા છે. જે બધા કેદીઓને આપવામાં આવે છે.
ભૂતપૂર્વ વડા પ્રધાન ખાને દાવો કર્યો હતો કે તેઓ જાણે છે કે એક કર્નલ અને જેલ સુપરિન્ટેન્ડેન્ટ અસીમ મુનીરના આદેશ પર કામ કરી રહ્યા છે . હું મારી પાર્ટીને સ્પષ્ટ સૂચના આપું છું કે જો મને જેલમાં કંઈ થશે તો અસીમ મુનીર સીધા જવાબદાર રહેશે. તેમણે વધુમાં કહ્યું કે હું આખી જિંદગી જેલમાં વિતાવવા તૈયાર છું પણ સરમુખત્યાર સામે ઝૂકવાનો કોઈ પ્રશ્ન જ નથી. પાકિસ્તાનના લોકોને મારો સંદેશ એ છે કે કોઈ પણ સંજોગોમાં તેઓએ દમનકારી વ્યવસ્થા સામે ઝૂકવું જોઈએ નહીં. આવી સ્થિતિમાં હવે આ શાસન સામે દેશવ્યાપી વિરોધ શરૂૂ કરવાનો સમય આવી ગયો છે.