પાક.ના બલૂચિસ્તાનમાં ફરી આતંકી હુમલો: બાઇક બ્લાસ્ટમાં પાંચનાં મોત
બજારમાં પાર્ક કરાયેલી મોટરસાઇકલમાં IED દ્વારા વિસ્ફોટ
ભારતનો પાડોશી દેશ પાકિસ્તાન ફરી એકવાર એક પછી એક આતંકવાદી હુમલાઓનો સામનો કરી રહ્યું છે. બુધવારે, પાકિસ્તાનનું અશાંત બલૂચિસ્તાન ફરી એકવાર એક મોટા બોમ્બ વિસ્ફોટથી હચમચી ઉઠ્યું. માહિતી અનુસાર, આ બોમ્બ વિસ્ફોટમાં 5 લોકોના મોત થયા છે અને 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
સ્થાનિક પોલીસે આપેલી માહિતી અનુસાર, આ બોમ્બ વિસ્ફોટની ઘટના ખુઝદારના નાલ બજાર વિસ્તારમાં બની છે. અહીં બજારમાં પાર્ક કરેલી મોટરસાઇકલમાં IED લગાવવામાં આવ્યું હતું, જેમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં 5 લોકોના મોત થયા અને ઘણા લોકો ઘાયલ થઈ ગયા. આ ઘાયલોમાંથી બેની હાલત ગંભીર છે. બલુચિસ્તાનના મુખ્યમંત્રીએ એક નિવેદનમાં આ વિસ્ફોટની સખત નિંદા કરી છે.
સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર, બોમ્બ વિસ્ફોટ બજારની નજીક એક કોલેજ પાસે થયો અને અન્ય વાહનો પણ વિસ્ફોટની ઝપેટમાં આવી ગયા અને સળગી ગયા.પોલીસના જણાવ્યા અનુસાર, સુરક્ષા દળોએ સમયસર કાર્યવાહી કરી અને બલુચિસ્તાનના પિશિન વિસ્તારમાં બીજો આતંકવાદી હુમલો ટાળ્યો. ગુપ્ત માહિતીના આધારે, પિશિનમાં ચાર આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. તેઓ બુધવારે આતંકવાદી હુમલો કરવાની યોજના બનાવી રહ્યા હતા.
એક દિવસ અગાઉ પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં બન્નુ કેન્ટોનમેન્ટની બહાર બે મોટા બોમ્બ વિસ્ફોટ થયા. વિસ્ફોટો પછી, વિસ્તારમાં ભારે ગોળીબાર અને સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણમાં ઓછામાં ઓછા નવ લોકો માર્યા ગયા અને 35 ઘાયલ થઈ ગયા.
-
-