અમેરિકામાં વધુ એક વિમાન દૂર્ઘટના, છ લોકોનાં મૃત્યુ
અમેરિકામાં ફરી એક વિમાન દુર્ઘટનાના સમાચાર છે. પેન્સિલવેનિયાના ફિલાડેલ્ફિયામાં એક નાનું વિમાન ટેકઓફ કર્યાના માત્ર 30 સેક્ધડ પછી ક્રેશ થયું. જેનાથી એક મોટો વિસ્ફોટ થયો હતો. આ વિમાનમાં લગભગ 6 લોકો સવાર હતા જેમના મૃત્યુ થયાની આશંકા છે. રાજ્યના ગવર્નર જોશ શાપિરોએ આ માહિતી આપી. તેમણે કહ્યું કે વિમાન તૂટીને રહેણાંક વિસ્તારમાં પડતાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા જેમાંથી ઘણાની હાલત ગંભીર હોવાથી મૃત્યુઆંક વધી શકે છે.
ગવર્નરે કહ્યું કે ઘટના બાદ રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. આ અકસ્માત ફિલાડેલ્ફિયા એરપોર્ટથી 4.8 કિલોમીટર ઉત્તરપૂર્વમાં થયો હતો. અકસ્માત સ્થળ પરથી સામે આવેલી તસવીરો દર્શાવે છે કે કેટલાક ઘરોમાં પણ આગ લાગી છે. આગ પર કાબુ મેળવવા માટે ફાયર વિભાગ દ્વારા પ્રયાસો ચાલુ છે.
તાજેતરમાં જ અમેરિકામાં લગભગ 25 વર્ષમાં સૌથી ભયંકર વિમાન દુર્ઘટના પછી આજે આ સમાચાર આવ્યા છે. આ ઘટના બુધવારે રાત્રે બની હતી જ્યારે અમેરિકન એરલાઇન્સની ફ્લાઇટ 5342 એરપોર્ટ નજીક આવતાં જ એક સૈન્ય હેલિકોપ્ટર સાથે અથડાઈ હતી. રોનાલ્ડ રીગન નેશનલ એરપોર્ટ પર આર્મી હેલિકોપ્ટર અને પેસેન્જર પ્લેન વચ્ચે થયેલી ટક્કરમાં 67 લોકો માર્યા ગયા હતા.