શિકાગોમાં વધુ એક ગુજરાતી યુવકની અજાણ્યા શખ્સોએ ગોળી ધરબી કરેલી હત્યા
શિકાગોમાં એક ગુજરાતી યુવકને શૂટ કરી દેવાયો હોવાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, મૃતકનું નામ કેવિન પટેલ હોવાનું જાણવા મળ્યું છે. શિકાગો પોલીસના જણાવ્યા અનુસાર બુધવારે રાતે સાડા નવ વાગ્યાની આસપાસ લિંકન પાર્કના વેસ્ટ લિલ એવેન્યૂમાં કેવિનને ગોળી મારવામાં આવી હતી. મૃતકના મિત્રોએ લોકલ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે તે ફિલાડેલ્ફિયાનો હતો પરંતુ શિકાગોમાં રહેતો હતો તેમજ જોબ કરતો હતો. કેવિનને ગોળી મારવામાં આવી ત્યારે તે પોતાના ઘરથી થોડે જ દૂર હતો, આ ઘટનાથી સમગ્ર એરિયામાં ડરનો માહોલ છવાઈ ગયો છે. કેવિન ફુટપાથ પર ચાલતો પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો ત્યારે જ તેને ગોળી મારવામાં આવી હતી, પોલીસના જણાવ્યા અનુસાર કેવિનને છાતીમાં ગોળી વાગી હતી.
કેવિનને એમ્બ્યુલન્સમાં લઈ જવાયો ત્યાં સુધી તે જીવીત અને ભાનમાં હતો પરંતુ હોસ્પિટલ પહોંચ્યા બાદ ફરજ પરના ડોક્ટર્સે તેને મૃત જાહેર કર્યો હતો. કેવિન પટેલ પર બે લોકોએ ગોળી ચલાવી હોવાનું આ ઘટનાને નજરે જોનારા લોકોએ જણાવ્યું હતું.
શિકાગો સનટાઈમ્સના રિપોર્ટ અનુસાર 56 વર્ષની એક મહિલાએ ફાયરિંગ કર્યા બાદ એક પુરુષ અને એક મહિલાને પૂર્વ દિશામાં દોડતા જોયા હતા. કેવિન પટેલની જાહેરમાં હત્યા થયાના બે દિવસ બાદ પણ પોલીસ ના તો તેના હત્યારા સુધી પહોંચી શકી છે કે ના તો તેની હત્યાનો ઉદ્દેશ જાણી શકાયો છે.
જે સમયે અને જે સંજોગોમાં કેવિન પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું તેને જોતા રોબરીના ઈરાદે તેની હત્યા થઈ હોવાની પણ પૂરી શક્યતા છે, પરંતુ પોલીસ હજુ સુધી આ અંગે કશુંય બોલવા તૈયાર નથી તેમજ કેવિન પર અટેક કરનારા લોકો કોણ હતા તેની પણ કોઈ માહિતી પોલીસને નથી મળી. શિકાગોની પોલીસે કેવિન પટેલનું નામ જાહેર કર્યા સિવાય તેના વિશે બીજી કોઈ વિગતો રિલીઝ નથી કરી.
ઉલ્લેખનીય છે કે શિકાગોમાં ગુજરાતીઓની ખૂબ જ મોટી વસ્તી છે અને તેની આસપાસના ટાઉન્સમાં પણ ગુજરાતીઓના મોટી સંખ્યામાં સ્ટોર્સ, ગેસ સ્ટેશન્સ તેમજ અન્ય બિઝનેસ આવેલા છે.