અનિલ અંબાણી EV સેક્ટરમાં ઝુકાવશે, પ્રારંભે 2,50,000 વાહનો બનાવશે
ઇલેક્ટ્રિક કાર અને બેટરીનું ઉત્પાદન કરી ટાટા-મહિન્દ્રાને આપશે ટક્કર
એશિયાના સૌથી અમીર બિઝનેસમેન મુકેશ અંબાણીના નાના ભાઈ અનિલ અંબાણી ઈવી સેક્ટરમાં એન્ટ્રી કરવા જઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે ઇલેક્ટ્રિક કાર અને બેટરી સેલ બનાવશે. આ માટે તેમણે ચીનના બીવાયડીના ભૂતપૂર્વ ભારતીય વડાને સલાહકાર તરીકે નિયુક્ત કર્યા છે. અનિલ અંબાણી હવે ઇવી સેક્ટરમાં પ્રવેશ કરીને ટાટા મોટર્સ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા સાથે સ્પર્ધા કરવા જઈ રહ્યા છે.
રોયટર્સના રિપોર્ટ મુજબ રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરે દર વર્ષે આશરે 250,000 વાહનોની પ્રારંભિક ક્ષમતા સાથે ઇવી પ્લાન્ટ સ્થાપવાની યોજનાનો કોસ્ટ ફિલિબિલિટી અભ્યાસ હાથ ધરવા માટે બહારના સલાહકારોની નિમણૂક કરી છે. બાદમાં આ ક્ષમતા વધારીને 750,000 કરવામાં આવશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, કંપની 10 ગીગાવોટ કલાકના બેટરી પ્લાન્ટની શક્યતા પર પણ વિચાર કરશે. જેની ક્ષમતા આગામી વર્ષોમાં વધારી શકાય છે. રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ભૂતપૂર્વ બીવાયડી એક્ઝિક્યુટિવ સંજય ગોપાલકૃષ્ણન તરફથી કોઈ ઓફિશિયલ નિવેદન બહાર આવ્યું નથી.
અનિલ અંબાણી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના વડા મુકેશ અંબાણીના નાના ભાઈ છે, જેઓ તેલ અને ગેસથી લઈને ટેલિકોમ અને રિટેલ સુધીના ક્ષેત્રોમાં રસ ધરાવે છે. 2005માં બંને ભાઈઓ વચ્ચે ફેમિલી બિઝનેસ વહેંચાઈ ગયો હતો. મુકેશની કંપની પહેલેથી જ સ્થાનિક સ્તરે બેટરીનું ઉત્પાદન કરવા માટે કામ કરી રહી છે અને આ અઠવાડિયે તેણે 10 જીડબલ્યુ બેટરી સેલ ઉત્પાદન માટે સરકારી પ્રોત્સાહન માટેની બિડ જીતી લીધી છે. જો અનિલ અંબાણીના જૂથે તેમની યોજનાઓ સાથે આગળ વધવાનું નક્કી કર્યું, તો ભાઈઓ એવા બજારમાં આગળ વધશે જ્યાં ઇવીએસની હાજરી એકદમ ઓછી છે પરંતુ તે ઝડપથી વધી રહી છે.
રોઇટર્સે સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે, રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ચીની કંપનીઓ સહિત અન્ય ભાગીદારોની શોધમાં છે અને થોડાં મહિનામાં તેની યોજનાઓને અંતિમ સ્વરૂપ આપવાનું લક્ષ્ય ધરાવે છે. ભારતની ટાટા મોટર્સ લગભગ 70 ટકા બજાર હિસ્સા સાથે દેશની સૌથી મોટી ઇવી કંપની છે. એસએઆઇસી ના એમજી મોટર અને બીવાયડી જેવા સ્પર્ધકો પણ સતત પ્રગતિ કરી રહ્યા છે. બીજી તરફ ઓટો માર્કેટની મોટી કંપનીઓમાં સામેલ મારુતિ સુઝુકી અને હ્યુન્ડાઈ મોટરે 2025માં ઇવી લોન્ચ કરવાની યોજના બનાવી છે.