કોઇ એક પર આક્રમણ બન્ને પર હુમલો ગણાશે: પાક.-સાઉદી વચ્ચે સમજૂતી
અમને ખબર હતી, હિતોના રક્ષણ માટે તૈયાર: ભારતનો પ્રતિભાવ
જ્યારથી ઈઝરાયલે કતાર પર હુમલો કર્યો છે ત્યારથી સમગ્ર મુસ્લિમ દેશોમાં ફફડાટની સ્થિતિ જોવા મળી રહી છે. આ દરમિયાન ઈઝરાયલ સામે કાર્યવાહી કરવી એ પણ તેમની સામે એક મોટો પડકાર છે. આ સૌની વચ્ચે મુસ્લિમ દેશો એકજૂટ થઇને NATO જેવી સેના ઊભી કરવાના પ્રયાસો કરી રહ્યા છે. આ દિશામાં સાઉદી અરબ પાકિસ્તાને સાથે મળીને એક મોટું પગલું ભર્યું છે.
માહિતી અનુસાર પાકિસ્તાન અને સાઉદી અરબે એક મહત્ત્વપૂર્ણ ડીલ પર હસ્તાક્ષર કર્યા હતા. જે કરારનું નામ સ્ટ્રેટજિક મ્યુચ્યુઅલ ડિફેન્સ એગ્રીમેન્ટ રખાયું છે. આ ડીલ હેઠળ નક્કી થયું છે કે જો કોઈ એક દેશ પર હુમલો થશે તો તે બંને દેશો પર હુમલો ગણાશે. આ સમજૂતી પાક. પીએમ શાહબાઝ શરીફની સાઉદીની યાત્રા દરમિયાન થઈ હતી.
સાઉદી અરબમાં અલ યમામા પેલેસ ખાતે ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન દ્વારા તેમનું સ્વાગત કરાયું હતું. પાકિસ્તાની મીડિયાના અહેવાલો અનુસાર પાકિસ્તાની પીએમઓ અનુસાર એક નિવેદન જાહેર કરાયું હતું જેમાં કહેવાયું હતું કે આ સમજૂતી બંને દેશોની લગભગ આઠ દાયકા જૂની ભાગીદારી પર આધારિત છે. આ કરાર પર ભારતની પ્રતિક્રિયા પ્રકાશમાં આવી છે. ભારતે સ્પષ્ટપણે કહ્યું છે કે તે તેના રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરવા તૈયાર છે અને આ કરારની અસરનો અભ્યાસ કરવામાં આવશે.
એક મીડિયા પ્રશ્નના જવાબમાં, વિદેશ મંત્રાલયના સત્તાવાર પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે ભારત સરકારે આ કરારથી સંબંધિત સમાચાર જોયા છે અને તેને ગંભીરતાથી લઈ રહી છે. જયસ્વાલે જણાવ્યું હતું કે સરકારને ખબર હતી કે બંને દેશો વચ્ચે આવો કરાર વિચારણા હેઠળ છે, જેને હવે ઔપચારિક સ્વરૂૂપ આપવામાં આવ્યું છે.