અમેરિકાના આગામી રાષ્ટ્રપતિ ભારતીય મૂળના બની શકે: સટ્ટાબજારનો વરતારો
ગોળીબારની ઘટના બાદ ટ્રમ્પ પ્રત્યે ઊભી થયેલી લાગણી ધોવાઇ રહી છે
અમેરિકાના પ્રમુખ પદ માટેની આ વખતની ચૂંટણી ઐતિહાસિક બની રહેવા સંભવ છે. આ વખતે એક તરફ રીપબ્લિકન પાર્ટીના ઉમેદવાર પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વધુ એકવાર ચૂંટાવા મેદાનમાં છે. તો બીજી તરફ હવે નિવૃત્ત થનારા પ્રમુખ જો બાયડેનનાં આશિર્વાદ પ્રાપ્ત વર્તમાન ઉપપ્રમુખ તેવાં ભારત વંશીય કમલા હેરીસ ડેમોક્રેટિક પાર્ટી તરફથી સ્પર્ધામાં ઝૂકાવ્યું છે.
પૂર્વે યોજાયેલ પ્રિપોલ સર્વેમાં મહત્ત્વનાં રાજ્યોમાં ટ્રમ્પ 54%થી આગળ હતા. જ્યારે હેરીસ તરફે માત્ર 45% જેટલા જ મતદારો હતા, તેમાંયે ટ્રમ્પ ઉપર થયેલ ગોળીબાર પછી તો ટ્રમ્પના વિજયની તકો ઘણી ઊંચી જઈ રહી હતી, પરંતુ તે ઘટના ધીમે ધીમે ભૂલાતી ગઇ છે અને સ્પર્ધા સતત ધારદાર બનતી રહી છે.
એક સમયે ટ્રમ્પ નેવાડા, એરીઝોના, જ્યોર્જીયા અને નોર્થ કેરોલિનામાં 54% જેટલા મતદારોને પ્રિય થઇ પડયા હતા, જ્યારે પેન્સીલવાનિયામાં કમલાએ 45% મત મેળવ્યા હતા.
પંરતુ જેમ જેમ ચૂંટણી આગળ જતી રહે તેમ તેમ કમલા બંને વચ્ચેનું અંતર કાપતાં ગયાં છે. પરિણામે બેટિંગ માર્કેટમાં ગુરુવારે કમલાના વિજય માટે 31,375 બેટ્સ પડયા છે જ્યારે ટ્રમ્પના વિજય માટે 25,985 બેટ્સ પડયા છે.
ઉલ્લેખનીય છે કે બેટિંગ સારી વાત નથી જ, પરંતુ તે સાથે તે યાદ રાખવું જોઇએ કે આ સટ્ટાખોરો પાસે ઝીણવટ ભરી માહિતી હોય છે. કારણ કે તેમાં પૈસા જીતવાના કે ખોવાની ઘટનાઓ બને છે. તેથી સટોડિયા પૂરેપૂરી ચકાસણી કરતા હોય છે. તેઓએ જ આ વખતે કમલાની તરફેણ કરી છે.