ઇરાનનો અણુભંડાર પાક.માં ખસેડવા અમેરિકાની ચાલ
મુનીર સાથે ટ્રમ્પની મુલાકાત ઇરાનનો સહયોગ લેવા માટે; પેન્ટાગોનના પૂર્વ અધિકારીનો દાવો
પાકિસ્તાનના આર્મી ચીફ આસીમ મુનીરની તાજેતરની અમેરિકા મુલાકાત અને ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની તેમની લંચ મીટિંગે અનેક સવાલો ઉભા કર્યા છે. ટ્રમ્પે મુનીરને લંચ માટે આમંત્રિત કર્યા એટલું જ નહીં, પાકિસ્તાન પ્રત્યે પોતાનો પ્રેમ પણ વ્યક્ત કર્યો. આ મુલાકાતનું વાસ્તવિક કારણ શું હતું તે અંગે ચાલી રહેલી અટકળો વચ્ચે, અમેરિકન સંરક્ષણ મંત્રાલય (પેન્ટાગોન) ના એક ભૂતપૂર્વ અધિકારીએ ચોંકાવનારો દાવો કર્યો છે.
સમાચાર એજન્સી ANIના અહેવાલ મુજબ, પેન્ટાગોનના ભૂતપૂર્વ અધિકારી અને અમેરિકન એન્ટરપ્રાઇઝ ઇન્સ્ટિટ્યૂટના વરિષ્ઠ વિશ્ર્લેષક માઈકલ રુબિનનું કહેવું છે કે ટ્રમ્પ વહીવટીતંત્ર પાકિસ્તાન પર નજર રાખી રહ્યું છે
કારણ કે તે તેનાથી કંઈક પ્રાપ્ત કરવા માંગે છે. રુબિને દાવો કર્યો કે ટ્રમ્પ ઈરાનના પરમાણુ કાર્યક્રમ સંબંધિત માલ પાકિસ્તાનમાં ખસેડવાનું વિચારી રહ્યા છે, તેથી જ તેમણે પાકિસ્તાન પ્રત્યે નરમ વલણ અપનાવ્યું છે.
માઈકલ રુબિને વધુમાં સમજાવ્યું કે, ઈરાન વિરુદ્ધ સંભવિત લશ્કરી કાર્યવાહી બાદ, તેના પરમાણુ કાર્યક્રમ સંબંધિત સામગ્રી પાકિસ્તાન ખસેડી શકાય છે. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને અમેરિકન દળોના સેન્ટ્રલ કમાન્ડ (સેન્ટકોમ) ના અધિકારીઓ પાકિસ્તાનના આર્મી ચીફ સાથે મીઠી વાતો કરી રહ્યા છે કારણ કે તેઓ ઈરાન વિરુદ્ધ વ્યૂહાત્મક સહયોગ ઇચ્છે છે.
તેમણે ઉમેર્યું કે ટ્રમ્પ સેનાપતિઓથી વધુ પ્રભાવિત છે અને પાકિસ્તાનમાં સેના પ્રમુખ પાસે વડા પ્રધાન કરતાં વધુ શક્તિ છે. તેથી, એવી શક્યતા છે કે ટ્રમ્પે મુનીરને વ્યક્તિગત રીતે ધમકી આપી હોય અને જાહેરમાં મિત્ર હોવાનો ડોળ કરી રહ્યા હોય.
ટ્રમ્પ ભારતમાં સત્તા પરિવર્તન ઇચ્છે છે: રાઉતનો મોદી પર પ્રહાર
પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરની અમેરિકા મુલાકાતને લઈને ભારતમાં રાજકારણ તેજ બન્યું છે. મુનીર અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ વચ્ચેની મુલાકાત અંગે ભારત સરકાર તરફથી કોઈ પ્રતિક્રિયા ન આવતાં વિપક્ષી ગઠબંધન INDIAના સાથી પક્ષ શિવસેના (UBT) એ પ્રશ્નો ઉભા કર્યા છે. તેમણે એવી પણ આશંકા વ્યક્ત કરી છે કે શું ટ્રમ્પ ભારતમાં શાસન પરિવર્તન લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે કહ્યું, પાકિસ્તાનના જનરલ મુનીર વ્હાઇટ હાઉસમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે લંચ કરી રહ્યા છે. અમે આ અંગે વડા પ્રધાન મોદી, વિદેશ પ્રધાન જયશંકર અને આરએસએસના વડા મોહન ભાગવતનો અભિપ્રાય જાણવા માગીએ છીએ. પહલગામમાં મહિલાઓના સિંદૂર છીનવાનો ગુનેગાર અસીમ મુનીર છે.