અમેરિકાની પૂછડી વાંકી: કોંગ્રેસના ફ્રીઝ બેંક ખાતા મામલે પણ ટિપ્પણી
- કેજરીવાલની ધરપકડ પર ટિપ્પણી કરવા બદલ ભારતે ખખડાવ્યું છતાં ન સુધર્યુ
ભારતે આકરો વિરોધ વ્યક્ત કરવા છતાં અમેરિકાએ ફરી એકવાર ભારતના આંતરિક મામલાઓ પર ટિપ્પણી કરી છે. પહેલા દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ અને હવે અમેરિકાએ કોંગ્રેસ પાર્ટીના ફ્રીઝ બેંક એકાઉન્ટ અંગે પોતાનો મત વ્યક્ત કર્યો છે. ભારત સરકાર દ્વારા એક સીનિયર અમેરિકી રાજનયિકને તલબ કરાયા બાદ બાઈડેન પ્રશાસન તરફથી આ નિવેદન આવ્યું છે.
અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તા મેથ્યુ મિલરે કહ્યું કે અમે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ સહિત આ કાર્યવાહીઓ પર બારીકાઈથી નજર રાખીશું. મિલર વિદેશ મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ભારત દ્વારા નવી દિલ્હીમાં અમેરિકી દૂતાવાસના કાર્યવાહક ઉપપ્રમુખ ગ્લોરિયા બરબેનાને તલબ કરવાની સાથે સાથે કોંગ્રેસ પાર્ટીના બેંક ખાતાને ફ્રીઝ કરવા પર પૂછાયેલા એક સવાલનો જવાબ આપી રહ્યા હતા.
મિલરે કહ્યું કે અમને કોંગ્રેસ પાર્ટીના આરોપો અંગે પણ જાણકારી છે કે ટેક્સ અધિકારીઓએ તેમના કેટલાક બેંક ખાતા એ રીતે ફ્રીઝ કરી નાખ્યા છે કે આગામી ચૂંટણીઓમાં પ્રભાવી રીતે પ્રચાર કરવું પડકારભર્યું બની જશે. અમેરિકા દરેક મુદ્દા પર નિષ્પક્ષ, પારદર્શક અને સમયસર કાનૂની પ્રક્રિયાઓને પ્રોત્સાહિત કરે છે. તેમણે કહ્યું કે તેઓ કોઈ પણ અંગત રાજનયિક વાતચીત અંગે વાત નથી કરતા પરંતુ ચોક્કસ રીતે તેઓ નિષ્પક્ષ, પારદર્શક અને સમયસર કાનૂની પ્રક્રિયાઓને પ્રોત્સાહિત કરે છે. તેમણે એજન્સી સાથે વાતચીતમાં કહ્યું કે કોઈને પણ તેના પર આપત્તિ હોવી જોઈએ નહીં.