73 વર્ષીય ભારતીય મહિલા સાથે અમેરિકાની બર્બરતા!! હાથકડી પહેરાવી ભારત ડિપોર્ટ કરાયા, પરિવાર 33 વર્ષથી રહેતો હતો USમાં
ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં રહેતા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સામે કડક વલણ અપનાવ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણા લોકો પોતાના દેશમાં પરત મોકલાયા છે. પરંતુ હાલમાં એક બનેલી એક ઘટનાએ બધાનું ખેંચ્યું છે.30 વર્ષથી અમેરિકામાં રહેતા 73 વર્ષીય મહિલાને ભારત મોકલી દેવામાં આવી છે.
પંજાબના મોહાલીની 73 વર્ષીય ભારતીય મહિલા હરજીત કૌર લગભગ 30 વર્ષથી પોતાના પરિવાર સાથે અમેરિકામાં રહેતી હતી.ઇમિગ્રેશન વિભાગ (ICE)એ તેમને હાથકડી પહેરાવીને કેલિફોર્નિયાથી જ્યોર્જિયા અને પછી ચાર્ટર ફ્લાઇટ દ્વારા પંજાબ મોકલી દીધા.
જોકે, ટ્રમ્પ વહીવટીતંત્રે તેમને ભારત મોકલી દીધા કારણ કે તેમની પાસે અમેરિકામાં કાયદેસર રીતે રહેવા માટે જરૂરી દસ્તાવેજોનો અભાવ હતો. આ દરમિયાન, મહિલાને તેના પરિવારને મળવાની મંજૂરી આપવામાં આવી ન હતી. તેમને હાથકડી અને બેડીઓ પહેરાવીને ભારત મોકલી દેવામાં આવ્યા હતા.
મહિલાના વકીલ દીપક આહલુવાલિયાએ જણાવ્યું હતું કે બીબીજી (હરજીત કૌર) પંજાબ આવી છે અને હાલમાં ભારતમાં છે. તેમને લોસ એન્જલસથી જ્યોર્જિયા લઈ જવામાં આવ્યા હતા, જ્યાંથી તેમને નવી દિલ્હીની ફ્લાઇટમાં બેસાડવામાં આવ્યા હતા. ભારત મોકલતા પહેલા હરજીતની અટકાયત કરવામાં આવી હતી. આનાથી તેમના પરિવાર અને સમુદાયના સભ્યો દ્વારા વ્યાપક વિરોધ પ્રદર્શનો શરૂ થયા, અને તેમની મુક્તિની માંગણી કરવામાં આવી.
ઉત્તરી કેલિફોર્નિયાની રહેવાસી હરજીત કૌરને ઇમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ દ્વારા નિયમિત ચેકપોઇન્ટ દરમિયાન અટકાયતમાં લેવામાં આવી હતી. ત્યારબાદ, તેમના પરિવાર અને સેંકડો સમુદાયના સભ્યોએ વિરોધ કર્યો અને તેમની મુક્તિની માંગ કરી. તેમના વકીલે જણાવ્યું કે હરજીત કૌરને પહેલા બેકર્સફિલ્ડ ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવી હતી, ત્યારબાદ શનિવારે સવારે 2 વાગ્યે હાથકડી પહેરાવીને લોસ એન્જલસ લઈ જવામાં આવી હતી. ત્યાંથી, તેમને જ્યોર્જિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા અને અંતે ચાર્ટર્ડ પ્લેન દ્વારા આર્મેનિયા થઈને દિલ્હી લઈ જવામાં આવ્યા હતા.
હરજીત કૌરના વકીલનો દાવો છે કે જ્યોર્જિયામાં, હરજીત કૌરને 60-70 કલાક સુધી સૂવા માટે પથારી પણ મળી નહોતી અને દવાઓ માટે ભોજન માંગતા ફક્ત બરફની ટ્રે અને એક ચીઝ સેન્ડવિચ આપવામાં આવ્યું હતું. આટલું જ નહીં, જ્યારે તેમણે પોતાના દાંતના ચોકઠા (dentures) માટે વિનંતી કરી, ત્યારે પણ ઇનકાર કરી દેવામાં આવ્યો.
હરજીત કૌર 1992માં તેમના બે પુત્રો સાથે યુનાઇટેડ સ્ટેટ્સ ગયા. ત્યાં તેમનો આશ્રય કેસ 2012 માં રદ કરવામાં આવ્યો હતો, પરંતુ ત્યારથી તે નિયમિતપણે દર છ મહિને ઇમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટને રિપોર્ટ કરે છે. તેના પરિવારે જણાવ્યું હતું કે અધિકારીઓએ તેણીને ખાતરી આપી હતી કે તેણીને તેના દસ્તાવેજો ન મળે ત્યાં સુધી તે યુએસમાં રહી શકે છે.