યુવાન દેખાવા પુત્રના લોહીનો ઉપયોગ કરશે અમેરિકન માતા
47 વર્ષની માર્સેલા પોતાને હ્યુમન બાર્બી કહે છે
અમેરિકામાં 47 વર્ષની માર્સેલા ઇગ્લેસિયા નામની મહિલાએ ખુલાસો કર્યો છે કે તે પોતાની યુવાની ટકાવી રાખવા માટે તેના 23 વર્ષના પુત્ર રોડ્રિગોના લોહીનું તેના શરીરમાં ટ્રાન્સફ્યુઝન કરાવશે. આ બ્યુટી-ટ્રીટમેન્ટ માટે પુત્રએ લોહી આપવાની તૈયારી દર્શાવી છે. પુત્રએ દાદીને પણ લોહી આપવાની તૈયારી દર્શાવી હોવાનું તેનું કહેવું છે. આ મહિલાએ પોતાને યુવાન દેખાતી રાખવા માટે અત્યાર સુધીમાં 85 લાખ રૂૂપિયા ખર્ચી નાખ્યા છે અને તે પોતાને હ્યુમન બાર્બી તરીકે ઓળખાવે છે. લોસ ઍન્જલસની હવે આ મહિલા બ્લડ-ટ્રાન્સફ્યુઝન માટે ડોક્ટર શોધી રહી છે.માર્સેલાનું માનવું છે કે બ્લડ-ટ્રાન્સફ્યુઝન શરીરની સિસ્ટમમાં યુવા સેલ્સને બરાબર રાખવામાં મદદ કરે છે અને જો ડોનર પુત્ર હોય તો એ વધારે ઉપયોગી છે.
સ્ટેમ સેલ થેરપી અજમાવ્યા બાદ તેને આની જાણ થઈ હતી. બ્લડ-ટ્રાન્સફ્યુઝનના ફાયદા ગણાવતાં માર્સેલાએ કહ્યું હતું કે નવા લોહીથી શરીરમાં ઑક્સિજન લઈ જવા માટે રેડ બ્લડ સેલ્સ જનરેટ થાય છે અને પ્લાઝ્માના જૂના સેલ્સ દૂર થતાં ફ્રેશનેસ લાગે છે. આ મહિલા સખત ડાયટ ફોલો કરે છે અને એક કલાક કસરત માટે ફાળવે છે. તે આઠ કલાક ઊંઘી જાય છે. શરાબ લેતી નથી અને સોફ્ટ ડ્રિન્ક્સ તથા સોયા પ્રોડક્ટ્સથી દૂર રહે છે. તે ફક્ત માછલી ખાય છે.