અમેરિકી કંપનીઓને ધંધો કરવો છે, તેમને ટ્રમ્પનો વેવલો દેશપ્રેમ ન પરવડે
અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે ફરી એક વાર ’અમેરિકા ફસ્ટ’નો રાગ આલાપ્યો છે અને અમેરિકાની ટોચની કંપનીઓને ભારત સહિત બીજા દેશોમાંથી ભરતી નહીં કરવાની વણમાગી સલાહ આપી છે. ટ્રમ્પે પોતાની વાત નહીં માનનારી કંપનીઓને સાણસામાં લેવાની આડકતરી ધમકી પણ આપી. તેના કારણે ભારતીયોએ હવે અમેરિકન કંપનીઓની નોકરીઓ માટે બહુ મથવું પડશે એવી વાતો પણ વહેતી થઈ ગઈ.
ભારતીયોને નુકસાન જશે એવા દાવા પણ સૂંઠના ગાંગડે ગાંધી થયેલા કેટલાક વિશ્ર્લેષકોએ કરી નાખ્યા પણ આ વાતોમાં દમ નથી ને ભારતીયોએ ડરવાની જરૂૂર પણ નથી. ટ્રમ્પ આ પ્રકારની આડકતરી ધમકીઓ પહેલાં પણ આપી ચૂક્યા છે ને અમેરિકાની કંપનીઓ ટ્રમ્પને રીતસર ઘોળીને પી ગઈ છે. હજુ મહિના પહેલાં જ ટ્રમ્પે એપલને ભારતમાં પોતાની ફેક્ટરી નહીં નાખવા કહેલું ને આડકતરી ધમકી આપેલી પણ એપલે ટ્રમ્પની ધમકીને એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાખેલી. બીજી ટેક કંપનીઓ પણ એ રીતે જ વર્તે છે તેથી ટ્રમ્પની ધમકીથી જરાય ડરવા જેવું નથી.ટ્રમ્પની ધમકીની અસર કેમ નહીં થાય અને અમેરિકાની ટેક કંપનીઓ ટ્રમ્પને કેમ ગણકારતી નથી એ સમજવા માટે પહેલાં ટ્રમ્પે શું જ્ઞાન પીરસ્યું એ જાણવું જરૂૂરી છે.
વોશિંગ્ટનમાં એક એઆઈ સમિટ દરમિયાન ટ્રમ્પે અમેરિકન કંપનીઓને ભારતીયો સહિતના વિદેશીઓને બદલે અમેરિકન ટેલેન્ટની ભરતી કરવા સલાહ આપી છે.એઆઈ સમિટ હોવાથી ગૂગલ, માઈક્રોસોફ્ટ, મેટા સહિતની અમેરિકાની ટોચની ટેક કંપનીઓના ધુરંધરો હાજર હતા. તેમની હાજરીમાં ડોનલ્ડ ટ્રમ્પે ટેક ઈન્ડસ્ટ્રીની માનસિકતાની ઝાટકણી કાઢીને કહ્યું હતું કે, દુનિયાની ટોચની ટેક કંપનીઓ અમેરિકાની છે પણ આ કંપનીઓ દ્વારા ઘણાં કારણોસર અમેરિકન ટેલેન્ટને ઈગ્નોર કરવામાં આવે છે. ટોચની કંપનીઓ વધારે નફો રળવા માટે અમેરિકાની આઝાદીનો ગેરલાભ ઉઠાવે છે અને મોટાપાયે બહારના લોકોને નોકરીઓ આપીને અમેરિકનોને અન્યાય કરે છે.ટ્રમ્પે એવું ડહાપણ પણ ડહોળ્યું કે ટેકનોલોજી કંપનીઓ સસ્તા ઉત્પાદન ખર્ચ માટે ચીનમાં ફેક્ટરી નાખે છે અને સસ્તા મજૂરો માટે ભારતમાંથી કર્મચારીઓની મોટાપાયે ભરતી કરે છે.
આ રીતે ટેક કંપનીઓ પોતાના જ દેશના લોકોની ઉપેક્ષા કરે છે અને આ ઓછું હોય તેમ અમેરિકાની ટીકા પણ કરે છે. ટ્રમ્પ રાજકારણી છે એટલે આવી બધી વાતો ભલે કર્યા કરતા પણ કંપનીઓ ધંધો કરે છે તેથી આવો વેવલો દેશપ્રેમ ટેક કંપનીઓને ના પરવડે.