અમેરિકા પાકિસ્તાનને નહીં આપે મિસાઇલો!! US યુદ્ધ વિભાગે દાવાઓને ફગાવ્યા
અમેરિકા પાકિસ્તાનને AMRAAM મિસાઇલ નહીં આપે. અમેરિકાએ આવી તમામ અફવાઓને નકારી કાઢી છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે પાકિસ્તાનને નવી AMRAAM મિસાઇલો મળશે. યુનાઇટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઓફ વોર દ્વારા તાજેતરમાં જારી કરાયેલા સ્ટાન્ડર્ડ કોન્ટ્રાક્ટ જાહેરાતને લગતી અફવાઓ પર સ્પષ્ટતા કરવામાં આવી છે. મીડિયાએ ખોટી રીતે અહેવાલ આપ્યો હતો કે નવી એડવાન્સ્ડ મીડિયમ-રેન્જ એર-ટુ-એર મિસાઇલ્સ (AMRAAMs) પાકિસ્તાન મોકલવામાં આવશે. જોકે, યુદ્ધ વિભાગે જણાવ્યું હતું કે આ કોઈપણ રીતે સાચું નથી.
આ સુધારો ફક્ત સ્પેરપાર્ટ્સ અને જાળવણી (સસ્ટેન્સન અને સ્પેરપાર્ટ્સ) સાથે સંબંધિત છે. તેનો પાકિસ્તાનની હાલની લશ્કરી ક્ષમતાઓમાં કોઈપણ અપગ્રેડ અથવા નવી મિસાઇલ ડિલિવરી સાથે કોઈ સંબંધ નથી. ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે આ પગલું વિવિધ દેશોને ફોરેન મિલિટરી સેલ્સ (FMS) કરાર હેઠળ લેવામાં આવ્યું હતું, અને પાકિસ્તાનને મોકલવામાં આવતી સામગ્રી ફક્ત જાળવણી અને સ્પેરપાર્ટ્સ માટે છે. યુદ્ધ વિભાગે મીડિયા અને વાચકોને સચોટ માહિતી માટે સત્તાવાર નિવેદનોનો સંદર્ભ લેવા અને અફવાઓને અવગણવા વિનંતી કરી હતી.
DoW અનુસાર AMRAAM બનાવતી કંપની રેથિયૉન (Raytheon) ને મિસાઇલના C8 અને D3 વેરિઅન્ટના ઉત્પાદન માટે "અગાઉ અપાયેલા કોન્ટ્રાક્ટ (FA8675-23-C-0037)" પર 41.6 મિલિયન અમેરિકી ડૉલરથી વધુનો નવો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. આ સંશોધનમાં પાકિસ્તાનને વિદેશી સૈન્ય ખરીદદારોમાં સામેલ કરાયું હતું અને ત્યારબાદ કોન્ટ્રાક્ટનું કુલ મૂલ્ય 2.51 બિલિયન અમેરિકી ડૉલરથી વધુ થઈ ગયું હતું. જોકે, અમેરિકાએ હવે સ્પષ્ટ કરી દીધું છે કે પાકિસ્તાન સાથે હથિયારો અંગે તેમની કોઈ ડીલ થઈ નથી.