અમેરિકા ભીષણ ગરમીના ભરડામાં, તાપમાન 42 ડિગ્રીને પાર, ન્યૂયોર્કમાં વાવાઝોડાથી 3નાં મોત
કટોકટી જાહેર, કામ વગર બહાર ન નીકળવા ચેતવણી
અમેરિકાના મધ્યપશ્ચિમ તથા પૂર્વના કેટલાક શહેરોમાં ભીષણ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. કેટલાક શહેરોમાં તાપમાનનો પારો 42 ડીગ્રીને પાર પહોંચવાની સાથે ચાલુ સપ્તાહમાં હીટવેવની પણ આગાહી હવામાન વિભાગે કરી છે. બીજીતરફ ન્યૂયોર્ક સહિતના શહેરોમાં વાવાઝોડા અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો જેમાં ત્રણ લોકોનાં મોત થયા હોવાના અહેવાલ છે.
રાષ્ટ્રીય હવામાન સેવા દ્વારા જણાવાયું છે કે, યુએસમાં મિનેસોટાથી મૈને સુધીના વિસ્તારમાં લાખો લોકોને આગામી દિવસોમાં પ્રચંડ ગરમીનો અનુભવ થશે. અર્કાનસાસ, ટેનેસી, લ્યુઇસિયાના અને મિસિસિપીમાં બુધવાર સુધી તાપમાન ઊંચું જવાની આગાહી છે. આ ઉપરાંત હીટવેવનું જોખમ પણ રહેશે અને તે જીવલેણ નિવડી શકે છે તેવી ચેતવણી લોકોને આપવામાં આવી છે.હવામાનશાસ્ત્રીઓના મતે વાતાવરણના ઉપરના ભાગમાં તીવ્ર દબાણ સર્જાયું છે જેમાં ગરમી અને ભેજનો ભાગ રહેલો છે.
આ ઘટનાને હીટ ડોમ તરીકે ઓળખવામાં આવે છે અને તે તીવ્ર ઊંચા તાપમાન માટે જવાબદાર રહે છે. મધ્યપશ્ચિમ અને પૂર્વ કાંઠાના શહેરોમાં વસતા લોકોએ ભારે ગરમીનો અહેસાસ કર્યો હતો. શિકાગોમાં તાપમાનનો પારો 39.4 ડીગ્રી સેલ્યિસય (103 ફેરનહીટ) નોંધાયો હતો. ફિલાડેલ્ફિયામાં 42.2 ડીગ્રી સાથે સૌથી વધુ ગરમ શહેર હતું. મેડિસનના વિસ્કોનસિનમાં તાપમાન 38.3 ડીગ્રી જેટલું ઊંચું રહ્યું હતું. પિટ્સબર્ગ તથા કોલંબસ, ઓહિયો ખાતે ગરમી 40 ડીગ્રી હતી.
ફિલાડેલ્ફિયાના આરોગ્ય વિભાગે શહેરમાં બુધવાર સુધી ગરમીની કટોકટી જાહેર કરી છે. તંત્ર દ્વારા લોકોને કામ વગર બહાર નહીં નિકળવા અને વધુ પ્રમાણમાં પ્રવાહીનું સેવન કરવાની સલાહ આપવામાં આવી છે. હવામાન નિષ્ણાતોના મતે આગામી બે દિવસમાં ન્યૂયોર્ક શહેરમાં પારો 35 ડીગ્રીને પાર જવાની શક્યતા છે.