અમેરિકા પાસે દુનિયાને 150 વખત તબાહ કરવા પૂરતા હથિયાર: ટ્રમ્પ
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પરમાણુ પરીક્ષણ કરવાનો આદેશ આપ્યા બાદથી જ દુનિયાભરમાં હોબાળો મચ્યો છે, પરંતુ ટ્રમ્પ પોતાની વાત પર અડગ છે. હવે તેમણે એક ચોંકાવનારા નિવેદનમાં કહ્યું છે કે અમેરિકા પાસે દુનિયાને તબાહ કરવા માટે પૂરતા પરમાણુ હથિયારો છે, પરંતુ તેમ છતાં અમેરિકાને પરમાણુ પરીક્ષણ કરવાની જરૂૂર છે. ટ્રમ્પે કહ્યું કે રશિયા અને ચીનની પરમાણુ મહત્વાકાંક્ષાઓ પણ અમેરિકાના પરમાણુ પરીક્ષણ કરવા પાછળનું એક કારણ છે.
મીડિયા સાથેના એક ઇન્ટરવ્યુમાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે પરમાણુ પરીક્ષણ કરવાનો તેમણે ત્યારે નિર્ણય કર્યો, જ્યારે તેમને અહેસાસ થયો કે આટલા મોટા પરમાણુ હથિયારોના જથ્થા હોવા છતાં અમેરિકા એકમાત્ર એવો દેશ ન હોઈ શકે, જે પરમાણુ પરીક્ષણ ન કરે. ટ્રમ્પના આ નિવેદનની દુનિયાભરમાં ટીકા થઈ અને નિષ્ણાતો માને છે કે આનાથી દુનિયાભરમાં ફરીથી પરમાણુ હથિયારોના પરીક્ષણની હોડ મચી શકે છે.
ટ્રમ્પે નિવેદનમાં કહ્યું કે આપણી પાસે કોઈપણ દેશની સરખામણીમાં ઘણા વધારે પરમાણુ હથિયારો છે અને આપણે પરમાણુ નિ:શસ્ત્રીકરણ વિશે કંઈક કરવું જોઈએ. મેં આ વિશે રશિયન રાષ્ટ્રપતિ પુતિન અને ચીની રાષ્ટ્રપતિ જિનપિંગ સાથે પણ વાત કરી. આપણી પાસે એટલા પરમાણુ હથિયારો છે, જે આખી દુનિયાને 150 વખત તબાહ કરી શકે છે. રશિયા પાસે પણ ઘણા છે અને ચીન પાસે પણ છે. ટ્રમ્પે કહ્યું કે તેઓ નથી ઈચ્છતા કે અમેરિકા એકમાત્ર એવો દેશ હોય, જે પરમાણુ પરીક્ષણ ન કરી રહ્યો હોય.
અમેરિકાએ છેલ્લે ઓપરેશન જુલિયન હેઠળ વર્ષ 1992 માં પરમાણુ પરીક્ષણ કર્યું હતું. અમેરિકા અને રશિયા દ્વારા પરમાણુ હથિયાર પરીક્ષણ એવા સમયે કરવામાં આવી રહ્યું છે, જ્યારે યુક્રેન યુદ્ધને લઈને બંને દેશો વચ્ચે તણાવ છે. બંને દેશ પરમાણુ પરીક્ષણ રોકવાવાળી સંધિ સીટીબીટીના હસ્તાક્ષરકર્તા દેશ છે. આ સંધિ પર 187 દેશોએ હસ્તાક્ષર કર્યા છે, જેમાં ચીન, ભારત, પાકિસ્તાન, ઉત્તર કોરિયા, ઇઝરાયેલ વગેરે દેશો પણ સામેલ છે.