નેપાળમાં ફસાયેલ ભાવનગરના નારી ગામના તમામ પ્રવાસીઓ સલામત રીતે સ્વદેશ પરત
ભારત સરકાર અને રાજ્ય સરકારે પ્રવાસીઓ સાથે સંપર્ક કરીને સતત ફોલોઅપ લીધેલ
ભાવનગરના નારી ગામના 43 પ્રવાસીઓ નેપાળમાં હિંસા ફાટી નીકળ્યા બાદ ફસાઈ ગયા હતા પરંતુ હવે આ 43 પ્રવાસીઓ નેપાળમાંથી ભારતની બોર્ડર ની અંદર આવી ગયા છે અને તમામ પ્રવાસીઓ સુરક્ષિત હોવાનું આ પ્રવાસ લઈને નીકળેલા વિનોદભાઈ લીંબાણીએ જણાવ્યું હતું.
ગત તા. 29 ઓગસ્ટે ભાવનગરના નારી ગામેથી વિનોદભાઈ લીંબાણી નારી ગામ અને આસપાસના વિસ્તારના કુલ 43 પ્રવાસીઓને લઈને ગોકુળ, મથુરા, હરિદ્વાર અને નેપાળ સહિતના સ્થળોએ પ્રવાસ માટે નીકળ્યા હતા.. જેમાં ભારતીય પ્રવાસન સ્થળો અને ધાર્મિક સ્થળોએ દર્શન કર્યા બાદ નેપાળમાં આ પ્રવાસીઓ બે દિવસથી ફસાઈ ગયા હતા.
પરંતુ ગઈકાલે નેપાળના પોખરામાં હોટલમાંથી આ પ્રવાસીઓએ ભાવનગરના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી અને કોર્પોરેટર ઉપેન્દ્રસિંહ ચુડાસમાનો મોબાઈલથી સંપર્ક કર્યો હતો અને ત્યારબાદ ભારત સરકાર રાજ્ય સરકાર વગેરે આ પ્રવાસીઓ સાથે સંપર્ક કરીને સતત ફોલોઅપ લીધું હતું અને આજે આ પ્રવાસ લઈને ગયેલા વિનોદભાઈ લીંબાણીએ જણાવ્યું હતું કે અમે તમામ 43 પ્રવાસીઓ ને પણ માંથી નીકળીને ભારતની બોર્ડર પસાર કરી ગયા છીએ અને ભારતમાં આવી ગયા છીએ.તમામ પ્રવાસીઓ સુખરૂૂપ અને સુરક્ષિત છે હવે આગામી દિવસમાં ભાવનગર આ પ્રવાસીઓ આવી પહોંચશે.
