અમેરિકી સેનેટરો વચ્ચે સમજૂતી: 40 દી’ના શટડાઉનનો અંત આવશે
અમેરિકાના સેનેટરોએ રવિવારે એક દ્વિપક્ષીય સમજૂતી કરી છે, જેનાથી દેશમાં ચાલી રહેલું ઐતિહાસિક 40-દિવસનું સરકારી શટડાઉન સમાપ્ત થવાની સંભાવના છે. અમેરિકન મીડિયાના અહેવાલો મુજબ, સાંસદોએ જાન્યુઆરી મહિના સુધી સરકારને ભંડોળ પૂરું પાડવા માટે એક વચગાળાનો કરાર કર્યો છે.
આ કરારમાં આરોગ્ય સંભાળ સબસિડી, ફૂડ બેનિફિટ્સ અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા બરતરફ કરાયેલા હજારો ફેડરલ કર્મચારીઓની પુન:સ્થાપના જેવા મુખ્ય મુદ્દાઓનો સમાવેશ થાય છે.
આ મોટા સમાધાનના સમાચાર આવતા જ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસ પહોંચીને પત્રકારોને જણાવ્યું હતું કે, એવું લાગે છે કે અમે શટડાઉનને સમાપ્ત કરવાની નજીક છીએ. સાંસદોના જણાવ્યા અનુસાર, આ બિલ SNAP (ફૂડ સ્ટેમ્પ પ્રોગ્રામ) માટે ભંડોળ પુન:સ્થાપિત કરશે, જે 42 મિલિયનથી વધુ ઓછી આવક ધરાવતા અમેરિકનોને કરિયાણા માટે ચૂકવણી કરવામાં મદદ કરે છે. તે છેલ્લા એક મહિનામાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા કરાયેલી હજારો ફેડરલ કામદારોની બરતરફીને પણ ઉલટાવી દેશે અને તેમને કાયદા મુજબ બાકી પગાર પણ સુનિશ્ચિત કરશે.
દરમિયાન સરકારી શટડાઉન (સરકારી કામકાજ બંધ)ની સીધી અસર એરલાઇન સેવાઓ પર પડી છે. સતત બીજા દિવસે દેશભરની એરલાઇન્સે 1,400થી વધુ ફ્લાઇટ્સ રદ્દ કરી છે. આ પરિસ્થિતિ એર ટ્રાફિક કંટ્રોલર્સની ભારે અછતને કારણે સર્જાઈ છે, જેમને અઠવાડિયાઓથી પગાર મળ્યો નથી.
