For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કેનેડા સામે મોદી સરકારની આક્રમક નીતિ સંપૂર્ણ યોગ્ય

12:17 PM Oct 16, 2024 IST | Bhumika
કેનેડા સામે મોદી સરકારની આક્રમક નીતિ સંપૂર્ણ યોગ્ય
Advertisement

ભારત અને કેનેડાના સંબંધોમાં ફરી ડખો પડ્યો છે અને ભારતે કેનેડા ખાતેના પોતાના હાઈ કમિશનર સંજય કુમાર વર્માને પાછા બોલાવી લેવાનો નિર્ણય લેતાં બંને દેશોના રાજદ્વારી સંબંધોનો અંત આવી જવાનાં એંધાણ છે. ટેકનિકલી રાજદ્વારી સંબંધોનો અંત આવી જ ગયો છે કેમ કે હાઈ કમિશનર સર્વોચ્ચ રાજદ્વારી છે. ભારતે પહેલાં કેનેડાના ભારત ખાતેના રાજદૂતને ભારત છોડવા કહ્યું ને પછી પોતાના હાઈ કમિશનરને જ પાછો બોલાવી લીધો તેનો મતલબ એ કે, બંને દેશોમાં હવે એકબીજાના ટોચના અધિકારી નથી ને તેનો અર્થ રાજદ્વારી સંબંધોનો અંત જ કહેવાય. કેનેડા ખાલિસ્તાન સમર્થક હરદીપ સિંહ નિજ્જરની હત્યાને મામલે ભારત સામે આંગળી ચીંધ્યા કરે છે.

જૂન 2023માં નિજ્જરની હત્યા પછી કેનેડાએ આક્ષેપ મૂક્યો હતો કે, ભારતીય હાઈ કમિશનર સંજય કુમાર વર્મા આ હત્યામાં સામેલ છે. હરદીપ સિંહ નિજ્જરની હત્યા 18 જૂને થઈ પછી કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ કહ્યું હતું કે, નિજ્જરની હત્યામાં ભારતનો હાથ છે. આ આક્ષેપોને ભારતે પાયાવિહોણા ગણાવ્યા હતા. ભારતે એ વખતે પણ કહેલું કે, આ મુદ્દે રાજકારણ રમાઈ રહ્યું છે અને ભારતને નિજ્જરની હત્યા સાથે કંઈ લેવાદેવા નથી.કેનેડા એ પછી પણ આ મુદ્દાનો છાલ છોડવા તૈયાર નથી. હમણાં કેનેડા તરફથી ભારતને એક ડિપ્લોમેટિક કમ્યુનિકેશનમાં ફરી આક્ષેપ કરાયો કે, નિજજરની હત્યાની તપાસમાં બહાર આવ્યું છે કે, ભારતના હાઈ કમિશનર વર્મા અને અન્ય રાજદ્વારી આ હત્યામાં સામેલ હતા. ભારતે રાજદૂત સંજય કુમાર વર્માનો બચાવ કરતા કહેલું કે, આ આક્ષેપો એકદમ હાસ્યાસ્પદ અને ખોટા છે. સંજય કુમાર વર્મા જાપાન અને સુદાનમાં પણ ભારતના રાજદૂત રહ્યા છે અને તેમની સામે આંગળી ચીંધી શકાય એવું કશું નથી.

Advertisement

કેનેડાએ એ છતાં જૂની રેકર્ડ વગાડવાનું બંધ ના કરતાં અકળાઈને ભારતીય વિદેશ મંત્રાલયે કેનેડામાં આપણા હાઈ કમિશનર સહિતના અધિકારીઓને ભારત પરત બોલાવવાનો ફેંસલો કરીને આકરા તેવર બતાવ્યા છે. વિદેશ મંત્રાલયે સાફ શબ્દોમાં કહ્યું છે કે, કેનેડાની જસ્ટિન ટ્રુડો સરકાર ભારકીય હાઈ કમિશનર અને અન્ય અધિકારીઓની સુરક્ષા અંગે કોઈ ખાતરી આપવા તૈયાર નથી તેથી અમે તેમને પરત બોલાવી રહ્યા છીએ. કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ કેનેડાની સસંદમાં નિવેદન આપેલું કે, હરદીપસિંહ નિજ્જર કેનેડાનો નાગરિક હતો પણ ભારતે કેનેડાની ધરતી પર તેની હત્યા કરાવીને કેનેડાના સાર્વભૌમત્વનો ભંગ કર્યો છે. નિજ્જર કેનેડાનો નાગરિક હતો એ વાત સાથે સહમત થવામાં આપણને કંઈ વાંધો નથી પણ ટ્રુડો કહે છે એમ નિજ્જર સામાન્ય નાગરિક નહોતો. ભારતમાં નિજ્જર સામે હત્યાઓ કરાવવા સહિતના આતંકવાદને લગતા કેસ હતા. નિજ્જર ભારતના ભાગલા કરવાનો હેતુ પાર પડે એ માટે આતંકવાદ ફેલાવતો હતો.

ભારત સરકારે નિજ્જરને આતંકવાદી જાહેર કરીને દસ લાખ રૂૂપિયાનું ઈનામ જાહેર કરેલું હતું. નિજ્જર ભારતના ભાગલા કરવા માગતો હોય ને આપણે બેઠા બેઠા તમાશો જોયા કરીએ, કેનેડાના સાર્વભૌમત્વની ચિંતા કર્યા કરીએ એ શક્ય નથી. દુનિયાનો કોઈ પણ દેશ પોતાની સુરક્ષા સામે ખતરો હોય ને દેશના ટુકડા કરવા માગતો હોય એવા નમૂનાને ઉપર જ પહોંચાડે. ભારતે પણ એ કર્યું તો તેમાં જરાય ખોટું વનથી. ટ્રુડોને કેનેડાના સાર્વભૌમત્વની એટલી જ ચિંતા હતી તો તેમણે નિજ્જરને પહેલાં રોકવાની જરૂૂર હતી. નિજ્જર કેનેડાની ધરતીનો ઉપયોગ ભારતમાં આતંકવાદ ફેલાવવા માટે કરતો હતો એ બંધ કરાવવાની જરૂૂર હતી. તેના બદલે કેનેડા નિજ્જરને છાવરતું હતું ને હવે કેનેડા નિજ્જરની હત્યા બદલ છાજિયાં લે, કેનેડાના સાર્વભૌમત્વની વાતો કરે એ ના ચાલે. ભારત અને કેનેડા બંનેના આર્થિક હિતો પરસ્પર જોડાયેલાં છે તેથી કોઈને પણ એકબીજાને અવગણવા પરવડે નહીં. આ કારણે બહુ જલદી બધું પૂર્વવત થઈ જશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement