પહેલગામ હુમલા બાદ પાકિસ્તાનની LoC પર નાપાક હરકત, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ
પહેલગામ હુમલા બાદ પાકિસ્તાન અને ભારત વચ્ચે તણાવ વધ્યો છે. પાકિસ્તાન તરફથી LoC પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. ભારતીય સેનાએ પણ વળતો જવાબ આપ્યો અને એક પછી એક ઘણી પાકિસ્તાની ચોકીઓનો નાશ કરવામાં આવ્યો. એલઓસી પર પાકિસ્તાની સૈન્ય દ્વારા રાતભર ગોળીબાર કરાયાનો મામલો સામે આવ્યો છે.
આ ફાયરિંગ એલઓસી પર પાકિસ્તાની સૈન્ય તરફથી અનેક ભારતીય ચોકીઓને નિશાન બનાવીને કરવામાં આવ્યું હતું. જોકે આ હુમલામાં ભારતને કોઈ નુકસાન થયાની માહિતી સામે આવી નથી.
એક અધિકારીએ આ મામલે જણાવ્યું કે પાકિસ્તાની સૈન્યને નાના હથિયારો વડે સરહદે હુમલા કર્યા હતા. હાલમાં આ મામલે વધુ વિગતો મેળવવામાં આવી રહી છે. જોકે હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી.
આ ઉપરાંત આજે જમ્મુ-કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર થયું. અધિકારીઓએ જણાવ્યું હતું કે બાંદીપોરા જિલ્લાના કુલનાર બાજીપુરા વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ ઘેરાબંધી અને શોધખોળ અભિયાન શરૂ કર્યું હતું.
તેમણે કહ્યું કે છુપાયેલા આતંકવાદીઓએ સુરક્ષા કર્મચારીઓ પર ગોળીબાર કર્યો. આ પછી સર્ચ ઓપરેશન એન્કાઉન્ટરમાં ફેરવાઈ ગયું. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ઘટનામાં અત્યાર સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. સુરક્ષા દળો આતંકવાદીઓને પકડી પાડવા માટે સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે.