નેપાળ પછી ફ્રાંસ: મેક્રોનની નીતિઓના વિરોધમાં પેરિસ સહિતના શહેરોમાં દેખાવો, તોડફોડ-આગચંપી
નેપાળમાં આ દિવસોમાં ભયંકર હોબાળો જોવા મળી રહ્યો છે. જનતાએ ભ્રષ્ટાચાર સામે હોબાળો મચાવ્યો, જેના કારણે સરકાર પડી ગઈ. હવે ફ્રાન્સ રસ્તાઓ પર અરાજકતા અને સંસદમાં અસ્થિરતા બંનેનો સામનો કરી રહ્યું છે. બુધવારે સવારે રાજધાની પેરિસ અને ઘણા મોટા શહેરોમાં પોલીસ અને વિરોધીઓ વચ્ચે ભીષણ અથડામણ થઈ હતી. બ્લોક એવરીથિંગ નામથી શરૂૂ થયેલા આ અભિયાને દેશભરમાં પરિવહન વ્યવસ્થા ખોરવી નાખી છે. ફક્ત પેરિસમાં જ 200 થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
માસ્ક પહેરેલા પ્રદર્શનકારીઓએ વિવિધ સ્થળોએ કચરાના ડબ્બા અને બેરિકેડ મૂકીને રસ્તાઓ બ્લોક કરી દીધા હતા. બોર્ડેક્સ અને માર્સેલી જેવા શહેરોમાં ભીડે ચોકોને ઘેરી લીધા હતા. પોલીસ પર જ્વાળાઓ અને બોટલો ફેંકવામાં આવી હતી, જ્યારે પ્રદર્શનકારીઓએ રાજધાનીના રેલ્વે હબ ગેરે ડુ નોર્ડ સ્ટેશન પર પણ હુમલો કર્યો હતો. આ હિંસક આંદોલન એવા સમયે થયું છે જ્યારે રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને માત્ર 24 કલાક પહેલા જ દેશના નવા વડા પ્રધાન સેબેસ્ટિયન લેકોર્નુની નિમણૂક કરી છે. ઉલ્લેખનીય છે કે 12 મહીનામાં ચાર વડાપ્રધાન બદલાઇ ગયા છે.
લેકોર્નુએ સંસદનો વિશ્વાસ ગુમાવનારા ભૂતપૂર્વ વડા પ્રધાન ફ્રાન્કોઇસ બાયરોનું સ્થાન લીધું છે. બાયરોએ દેશનું દેવું ઘટાડવા માટે લગભગ :35 બિલિયન (લગભગ રૂૂ. 3.7 લાખ કરોડ) ની કાપ યોજના રજૂ કરી હતી, પરંતુ આ કડક પગલું જનતાને પસંદ ન આવ્યું અને તેમની સરકાર પડી ગઈ. હવે સમગ્ર ફ્રાન્સમાં પરિસ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. સરકારે આ આંદોલનને નિયંત્રિત કરવા માટે 80,000 થી વધુ પોલીસ અને સુરક્ષા દળોને તૈનાત કર્યા છે.
વિરોધીઓ માત્ર રેલ અને રોડ ટ્રાફિકને જ અવરોધિત કરી રહ્યા નથી પરંતુ તેલના ડેપો, સુપરમાર્કેટ અને પેટ્રોલ પંપને પણ નિશાન બનાવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર કેટલાક જૂથોએ લોકોને દુકાનો લૂંટવાની અપીલ પણ કરી છે.
આ નવું આંદોલન ફ્રાન્સના કુખ્યાત યલો વેસ્ટ ચળવળની યાદ અપાવે છે, જેના કારણે મેક્રોનને થોડા વર્ષો પહેલા તેમની નીતિઓ બદલવાની ફરજ પડી હતી.