અફઘાનિસ્તાન ભારત તરફથી પ્રોક્સી યુધ્ધ લડી રહ્યું છે: પાક.નો ગપગોળો
48 કલાકના યુધ્ધવિરામ વચ્ચે પાક. સંરક્ષણ મંત્રીએ કહ્યું, કાબુલ કરતાં દિલ્હીથી નિર્ણયો લેવાઇ રહ્યા છે
પાકિસ્તાને અફઘાનિસ્તાન સાથે ચાલી રહેલા તણાવ માટે ભારતને દોષી ઠેરવ્યું છે. પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે આરોપ લગાવ્યો છે કે અફઘાનિસ્તાન ભારત માટે પ્રોક્સી યુદ્ધ લડી રહ્યું છે. જોકે, ભારત સરકાર તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી. હાલમાં, બંને દેશો વચ્ચે 48 કલાકના યુદ્ધવિરામ પર સંમતિ સધાઈ છે.
મીડિયા અહેવાલો અનુસાર, આસિફે આરોપ લગાવ્યો છે કે કાબુલ કરતાં દિલ્હીથી નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. તેમણે અફઘાન વિદેશ પ્રધાન અને ભારત વચ્ચેની તાજેતરની બેઠક પર પણ સવાલ ઉઠાવ્યા. આસિફે કહ્યું કે તાલિબાનના વિદેશ પ્રધાન અમીર ખાન મુત્તાકીએ તેમની તાજેતરની છ દિવસની ભારત મુલાકાત દરમિયાન આ યોજનાઓ બનાવી હતી.
પાકિસ્તાને બુધવારે જાહેરાત કરી હતી કે અફઘાનિસ્તાન સાથે 48 કલાકનો યુદ્ધવિરામ પર સંમતિ સધાઈ છે. આ જાહેરાત બંને દેશો વચ્ચે સરહદ પર થયેલી અથડામણો વચ્ચે કરવામાં આવી છે, જેના પરિણામે બંને પક્ષે અસંખ્ય જાનહાનિ થઈ છે.
વિદેશ કાર્યાલયે જણાવ્યું હતું કે, તાલિબાનની વિનંતી પર, પાકિસ્તાન સરકાર અને અફઘાનિસ્તાનના તાલિબાન શાસન વચ્ચે આગામી 48 કલાક માટે કામચલાઉ યુદ્ધવિરામ પર સંમતિ સધાઈ છે, જે આજે સાંજે 6 વાગ્યાથી બંને પક્ષોની પરસ્પર સંમતિથી અમલમાં આવશે. જોકે, અફઘાન સરકારના મુખ્ય પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે જણાવ્યું હતું કે પાકિસ્તાની પક્ષની વિનંતી અને આગ્રહ પર, બંને દેશો વચ્ચે સાંજે 5:30 વાગ્યા પછી યુદ્ધવિરામ લાગુ થશે.
અગાઉ, પાકિસ્તાની સેનાએ કહ્યું હતું કે તેણે અફઘાન તાલિબાનના અનેક હુમલાઓને નિષ્ફળ બનાવ્યા છે અને બંને દેશો વચ્ચે સરહદ પર અથડામણની અલગ અલગ ઘટનાઓમાં 40 થી વધુ હુમલાખોરોને મારી નાખ્યા છે. આ હુમલાઓને નિષ્ફળ બનાવતી વખતે, 15-20 અફઘાન તાલિબાન માર્યા ગયા હતા અને ઘણા ઘાયલ થયા હતા તેમ સેનાએ જણાવ્યું હતું.