બાંગ્લાદેશમાં અભિનેતા શાંતો ખાન અને તેના પિતાની હત્યા
ઝનુની ટોળાએ કૃર રીતે રહેંસી નાખ્યા
બાંગ્લાદેશમાં સતત હિંસા વધી રહી છે. ખાસ કરીને લઘુમતિ હિન્દુઓ પર હુમલા થઇ રહ્યા છે ત્યારે એક ચોંકાવનારા સમાચાર મુજબ બાંગ્લા અભિનેતા શાંતો ખાન અને તેના પિતા પર ટોળાએ હિંસક હુમલો કરીને બંનેની હત્યા કરી હતી.
અભિનેતા શાંતો ખાનના પિતા સલીમ ખાન ચાંદપુર સદર ઉપજિલ્લાની લક્ષ્મીપુર મોડેલ યુનિયન પરિષદના પ્રમુખ હતા. તેઓ ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક પણ હતા. સોમવારે બંનેને ઢોર માર મારી હત્યા કરી દેવાઇ છે. બંગાળી સિનેમાએ સોશિયલ મીડિયા દ્વારા આ વાતની પુષ્ટિ કરી છે.
રિપોર્ટ અનુસાર, શાંતો ખાન અને તેના પિતા સલીમ સોમવારે બપોરે પોતાના ઘરેથી બહાર નીકળતી વખતે ફરક્કાબાદ માર્કેટમાં હિંસક ટોળાની વચ્ચે ઘેરાઇ ગયા હતા અને ત્યાર બાદ ટોળાએ બંને પર હુમલો કર્યો હતો. જો કે તે સમયે અભિનેતાએ પોતાના હથિયારથી ફાયરિંગ કરીને પોતાની જાતને બચાવી લીધી હતી, પરંતુ બાદમાં હુમલાખોરોએ સલીમ ખાન અને શાંતો ખાન પર હુમલો કરીને તેમની હત્યા કરી નાખી હતી. સલીમ ખાન મુજીબુર રહેમાન પર બનેલી ફિલ્મના નિર્માતા હતા.