દ.આફ્રિકામાં રાજકોટનો યુવક એક મહિનાથી બંધક
કોંગોમાં આવેલ લોધિકાના શખ્સની કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરતા યુવાન ઉપર ચોરીનો આરોપ લગાવી 22 લાખની માગણી કરી બંધક બનાવ્યો
પરિવારજનો રકમ આપવા તૈયાર છતાં વધુ નાણાની માગણી, પુત્રને છોડાવવા માતાએ અનેક સ્થળે લગાવી ગુહાર
રાજકોટથી કમાવવા માટે આફ્રિકાના કીનસાસા ગયેલા એક પરિવારના લાડકવાયા પુત્રનું તેના જ માલિકે આફ્રિકામાં અપહરણ કરી એક મહિનાથી તેને બંધક બનાવતાં પરિવારજનો પુત્રને છોડાવવા માટે છેલ્લા એક મહિનાથી મદદની ગુહાર લગાવી રહ્યાં છે. રાજકોટથી બે વર્ષ પૂર્વે આફ્રિકા ગયેલા જય દીનેશ કોરીયા ઉપર તેના માલિકે આઠ હજાર ડોલર ચોરીનો આરોપ લગાવી તેને બંધક બનાવ્યો છે. પરિવારજનોએ આ રકમ આપવા માટેની તૈયારી બતાવતાં જયને બંધક બનાવનાર તેના કંપનીના માલિકે વધુ રકમની માંગણી કરતાં છેલ્લા એક મહિનાથી આ બાબતે કોરીયા પરિવાર ભારતીય એમ્બેસી અને સ્વામીનારાયણ સંતોના શરણે ગયા હોવા છતાં હજુ સુધી કોઈ પરિવાર નહીં આવતાં પરિવારજનો ચિંતામાં મુકાઈ ગયા છે. આ મામલે સરકાર તેમની મદદ કરે તેવી આશા રાખી રહ્યાં છે.
રાજકોટનાં વાવડી વિસ્તારમાં રહેતા જય દિનેશભાઈ કોરીયા બે વર્ષ પૂર્વે માટે આફ્રિકા ગયો હતો અને જ્યાં બે વર્ષ એક કંપનીમાં નોકરી કર્યા બાદ તેનો કોન્ટ્રાકટ પુરો થઈ જતાં મુળ રાજકોટના લોધિકાના વતની મેહુલ ગોહેલની આફ્રિકાના કોંગોના કીનસાસા ખાતે આવેલ બોરવેલની કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરીએ લાગ્યો હતો અને તમામ આર્થિક વહીવટ સંભાળતો હતો તે દરમિયાન કંપનીના હિસાબના 8 હજાર ડોલર એટલે કે રૂા.6.80 લાખનો હિસાબ નહીં મળતાં આ રકમ જય કોરીયાએ ચોરી કર્યાનો આરોપ લગાવી ગત તા.3-6-2024નાં રોજ તેને કંપનીના માલિકે બંધક બનાવી એક રૂમમાં પુરી દીધો હતો.
જયને બંધક બનાવ્યા બાદ આ રકમ ભારતીય ચલણ મુજબ રૂા.6.80 લાખ થતી હોય તે રકમ ચુકવવા માટે પરિવારજનોનો જયએ વિડિયો કોલથી સંપર્ક કર્યો હતો અને પરિવારજનો આ રકમ ચુકવવા માટે તૈયાર હતાં અને કંપનીના માલિક મેહુલ ગોહેલ સાથે આ બાબતે વાતચીત પણ કરી હતી. પરંતુ કંપનીના માલિકે હવે 6.80 લાખ નહીં પરંતુ 22.50 લાખ રૂપિયા ચુકવવા પડશે તેવું જણાવતાં જયના માતા અને તેનો નાના ભાઈ અવાચક બની ગયા હતાં. આટલી મોટી રકમની વ્યવસ્થા થઈ શકે તેમ ન હોય જેથી અગાઉ નક્કી કરેલી રૂા.6.80 લાખની રકમ તેઓ મકાન વેંચીને ચુકવી આપશે તેવી ખાતરી આપી હતી.
પરંતુ કંપનીના માલિકે કોઈ કારણસર જયને મુકત કર્યો ન હતો અને બંધક બનાવી એક રૂમમાં ગોંધી રાખીને તેને ટોચર કર્યો હતો. પરિવારજનોએ પુત્રની મુક્તિ માટે ભારતીય એમ્બેસીનો સંપર્ક કર્યો પરંતુ કોઈ પરિણામ આવ્યું નહીં. કંપનીના માલિકે જયના માતા અને ભાઈને જણાવ્યું કે જય જુગારમાં તેના મિત્ર હામિદ સાથે મળી જુગારમાં 8 હજાર ડોલર હારી ગયો છે અને તેણે આ રકમની ચોરી કરી છે. આવો આક્ષેપ કરવામાં આવ્યો છે અને આ બાબતે જયના પરિવારજનોએ જો તેણે ગુનો કર્યો હોય તો આફ્રિકા પોલીસ હવાલે કરી દો. તેવી વાત પણ કરી હતી પરંતુ જયને પોલીસ હવાલે કરવાના બદલે સતત ટોચર કરવામાં આવી રહ્યો છે. આ મામલે ભારત સરકાર અને ગુજરાત સરકાર તરફ જયની માતાએ મદદ માટે ગુહાર લગાવી છે.
એમ્બેસીમાં રજૂઆત કર્યા બાદ પણ પરિણામ આવ્યું નહીં
કોરોના સમયમાં ધંધો ઠપ્પ થઈ જતાં જય પરિવાર માટે કમાવવા આફ્રિકા બે વર્ષ પૂર્વે ગયો હતો અને ત્યારબાદ ત્યાં જ ંનોકરી કરી પરિવારને ત્યાંથી ઘર ખર્ચ માટેની રકમ મોકલતો હતો. બોરવેલની કંપનીમાં નોકરી કરતાં જય ને બંધક બનાવતાં પરિવારજનો આધારસ્થંભ બંધક હોય તેને છોડાવવા માટે જયના માતા અને ભાઈએ છેલ્લા એક મહિનાથી અનેક પ્રયાસો કર્યા હોય ભારતીય એમ્બેસીનો પણ આફ્રિકા ખાતે સંપર્ક કર્યો હતો અને એમ્બેસી દ્વારા તપાસ કરીને જવાબ આપશે તેવું જણાવ્યા બાદ પણ જય બાબતે કોઈ પ્રત્યુતર આપ્યો ન હતો. તેની હાલત શું છે અને તેની સામે કોઈ પોલીસ ફરિયાદ થઈ છે કે કેમ ? તે કોઈ સ્પષ્ટતા પણ કરવામાં આવી ન હતી.
સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ મધ્યસ્થી કરી છતાં યુવકને ન છોડયો
જયને બંધક બનાવનાર રાજકોટના વતની મેહુલ ગોહેલ સ્વામીનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલો હોય જયના માતા અને ભાઈએ આ અંગે સ્વામીનારાયણ સંપ્રદાયના સંતોની મદદ માંગી આફ્રિકા ખાતે આવેલ સ્વામીનારાયણ સંપ્રદાયના સંતોની મદદથી જયને છોડાવવા માટે પ્રયાસ કર્યો હતો. આ બાબતે કોરીયા પરિવાર અપૂર્વ સ્વામીનો સંપર્ક કર્યો હતો તેમને રાજકોટ કોઠારી સ્વામીનો સંપર્ક કરવા જણાવ્યું હતું અને રાજકોટ સ્વામીનારાયણ મંદિરના કોઠારી સ્વામીએ સમગ્ર હકીકત જાણી આ બાબતે આફ્રિકા સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો સાથે વાતચીત કરી મેહુલનો સંપર્ક કરી જયને મુકત કરવા માટે પરિવારજનો રૂપિયા આપવા તૈયાર છે તેવી વાત કરી હતી અને આઠ લાખ રૂપિયા ચુકવ્યા બાદ જયને મુકત કરવામાં આવશે તેવું નક્કી થયું હતું. પરંતુ કોઈ કારણસર જયના શેઠે ફેરવી તોડયું અને 22 લાખ રૂપિયાની માંગણી કરતાં સ્વામીનારાયણ સંપ્રદાયના સંતોએ કરેલી મહેનત પણ પાણીમાં ગઈ હતી.