હોંગકોંગમાં 167 કિ.મી.ની ઝડપે વાવાઝોડું ત્રાટક્યું: લોકો હવામાં ફંગોળાયા, 450થી વધુ ઘાયલ
400થી વધુ ફ્લાઇટ્સ રદ, મેટ્રો-રેલવે-એરપોર્ટ બંધ કરાયા
ચીનના હોંગકોંગમાં પવિફાથ નામના ભયાનક વાવાઝોડાએ ભારે વિનાશ વેર્યો છે, જેના કારણે શહેરનું જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. 167 કિલોમીટર પ્રતિ કલાકથી વધુની ઝડપે ત્રાટકેલા આ વાવાઝોડાના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેમાં લોકો ભારે પવનને કારણે હવામાં ઉડતા દેખાઈ રહ્યા છે.
હોંગકોંગના લોકોને વાવાઝોડા અને ભારે વરસાદના બેવડાપ્રકોપનો સામનો કરવો પડ્યો છે. તોફાની પવનોને કારણે 400 થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે, અને મેટ્રો, રેલ્વે તેમજ એરપોર્ટ સેવાઓ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત, માર્ગ પરિવહન સેવાઓ પણ આગામી આદેશો સુધી સ્થગિત કરવામાં આવી છે. સ્થાનિક વહીવટીતંત્રે તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ આપ્યો છે અને અનેક મોટી જાહેર ઘટનાઓ રદ કરવામાં આવી છે, જેનાથી શહેરની દૈનિક ગતિવિધિઓ લગભગ ઠપ્પ થઈ ગઈ છે.
હોંગકોંગ સરકારના જણાવ્યા અનુસાર, આ ભયાનક તોફાન દરમિયાન વૃક્ષો પડવા સહિતની ઘટનાઓમાં 450 થી વધુ લોકો ઘાયલ થયા છે. લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને, 250 થી વધુ લોકોએ જાહેર આશ્રયસ્થાનોમાં આશરો લીધો છે, અને સરકારે તમામ સ્થાનિક મનોરંજન સ્થળોને બંધ રાખવાનો આદેશ જારી કર્યો છે.
વાઇફા વાવાઝોડાને કારણે લગભગ 43 હજાર લોકો પોતાના ઘર છોડીને સુરક્ષિત આશ્રયસ્થાનોમાં સ્થળાંતર કરવા મજબૂર બન્યા છે. આ વાવાઝોડાએ અગાઉ ફિલિપાઇન્સ અને તાઇવાનમાં પણ ભારે વિનાશ વેર્યો હતો, જ્યાં 400 થી વધુ ઘરોને નુકસાન થયું હતું અને ઘણા લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે, જોકે મૃત્યુઆંક અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.