બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં લાગી ભીષણ આગ: 44 લોકો બળીને ભડથું, 20ની હાલત ગંભીર
બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં ગઈ કાલે રાત્રે એક મોટી દુર્ઘટના બની હતી. અહીં બેઈલી રોડ પર એક કોમર્શિયલ ઈમારતમાં લાગેલી ભીષણ આગમાં ઓછામાં ઓછા 44 લોકોના મોત થયા છે અને 20 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોમાં અનેકની હાલત ગંભીર હોવાથી મૃતકાંક વધવાની શક્યતા છે.
આગની ઘટના ગુરુવારે રાતે 9:50 વાગ્યે બની હતી. અહીં ફર્સ્ટ ફ્લોર પર આવેલી એક રેસ્ટોરાંમાં આગની શરૂઆત થઈ હતી. જે ધીમે ધીમે ઉપરના માળાઓ સુધી ફેલાઈ ગઇ હતી. એક અધિકારીએ કહ્યું કે આગ લાગવાને કારણે ઈમારતમાં 75થી વધુ લોકો ફસાઈ ગયા હતા જેમાં 42 બેભાન થઇ ગયા હતા. આ લોકોને ઈમારતથી હેમખેમ બહાર લવાયા હતા.
ફાયરબ્રિગેડની ટીમની 13 ગાડીઓએ આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે બાંગ્લાદેશના સ્વાસ્થ્યમંત્રી ડૉ. સામંત લાલ સેને કહ્યું કે ઢાકા મેડિકલ કોલેજ હોસ્પિટલમાં 33 લોકો મૃત્યુ પામી ચૂક્યા હતા અને જોકે શેખ હસીના નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ બર્ન એન્ડ પ્લાસ્ટિક સર્જરી હોસ્પિટલમાં 10 લોકોએ જીવ ગુમાવ્યા હતા. ઘાયલોની સારવાર ચાલી રહી છે જેમાંથી અનેકની હાલત ગંભીર હોવાની માહિતી છે.