પાકિસ્તાનથી શ્રદ્ધાળુઓને લઈને જતી બસનો ઈરાનમાં ભયાનક અકસ્માત, 35 લોકોના મોત
પાકિસ્તાનથી ઈરાક જઈ રહેલી બસ ઈરાનમાં માર્ગ અકસ્માતનો ભોગ બની છે. આ અકસ્માતમાં 35 લોકોના મોત થયા છે. અનેકલોકો ઘાયલ થયાના સમાચાર છે. આ બસ તમામ યાત્રાળુઓને લઈને ઈરાક જઈ રહી હતી.
ન્યૂઝ એજન્સી અનુસાર, સ્થાનિક કટોકટી સેવાઓના અધિકારી મોહમ્મદ અલી મલેકઝાદેહે જણાવ્યું હતું કે, રાજ્ય સંચાલિત મંગળવારે મધ્યરાત્રિએ અકસ્માત થયો હતો. આ અકસ્માત ઈરાનના યઝદ પ્રાંતમાં દેહશિર-ટાફ્ટ પોસ્ટ પાસે થયો હતો.જ્યારે પાકિસ્તાની મીડિયાનો દાવો છે કે બ્રેક ફેલ થઈ જવાને કારણે ડ્રાઈવરે નિયંત્રણ ગુમાવતા બસ પલટી ગઇ હતી. જેના લીધે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો. દુર્ઘટનાના સમયે બસમાં 51 લોકો મુસાફરી કરી રહ્યા હતા. તમામ લોકો શ્રદ્ધાળુ હતા અને તેઓ અરબઈનની યાદમાં ઈરાક જઈ રહ્યા હતા. 7મી સદીમાં એક શિયા ગુરુના નિધનના 40માં દિવસે અરબઈન મનાવાય છે.
માર્ગ અકસ્માત કેવી રીતે થયો તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. હાલ સોશિયલ મીડિયા પર અકસ્માતનું કારણ બ્રેક ફેઈલ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ બસ પાકિસ્તાનના લરકાનાથી શ્રદ્ધાળુઓને લઈને ઈરાક જઈ રહી હતી. તીર્થયાત્રીઓ અરબાઈન માટે કરબલા જઈ રહ્યા હતા. દર વર્ષે પાકિસ્તાનથી શિયા યાત્રાળુઓ કરબલા જાય છે. આ ત્રીજી બસ દુર્ઘટના હોવાનું કહેવાય છે જેમાં પાકિસ્તાની યાત્રાળુઓ સામેલ છે.