ફિલિપાઇન્સમાં 6ની તીવ્રતાવાળો ભુકંપ: જાનહાની, નુકસાની નહીં
ફિલિપાઇન્સના મિંડાનાઓ વિસ્તારમાં શનિવારે સવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપની તીવ્રતા 6.0 ની નોંધાઈ છે. આ ભૂકંપ ભારતીય સમય મુજબ સવારે 4:37વાગ્યે આવ્યો હતો અને તેનું કેન્દ્ર જમીનથી 105 કિલોમીટર ઊંડે હતું. હાલમાં, કોઈ જાનહાનિ કે સંપત્તિના નુકસાનના કોઈ અહેવાલ નથી, પરંતુ ભૂકંપની તીવ્રતાને ધ્યાનમાં રાખીને, સ્થાનિક એજન્સીઓ સતર્ક છે અને લોકોને સુરક્ષિત રહેવાની સલાહ આપવામાં આવી છે.
એનસીએસે તેના એક્સ (ટ્વિટર) હેન્ડલ પર જણાવ્યું હતું કે, મિંડાનાઓ અને આસપાસના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. હાલમાં, કોઈ જાનહાનિ કે સંપત્તિના નુકસાનના કોઈ અહેવાલ નથી, પરંતુ લોકો ગભરાટમાં પોતાના ઘરોમાંથી બહાર નીકળી ગયા હતા.
ફિલિપાઇન્સ ભૌગોલિક રીતે રિંગ ઓફ ફાયરમાં સ્થિત છે, જ્યાં ભૂકંપ અને જ્વાળામુખીની ગતિવિધિઓ સામાન્ય છે. આ જ કારણ છે કે, દેશમાં સમયાંતરે ભૂકંપ આવતા રહે છે. સ્થાનિક વહીવટીતંત્ર અને આપત્તિ રાહત એજન્સીઓ પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. અત્યાર સુધી કોઈ ઇમારતને નુકસાન કે સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી નથી.