થાઇલેન્ડમાં રાજકોટના 500 પ્રવાસી હેમખેમ
મોટાભાગના પતાયા, ફૂકેત અને ક્રાબીમાં રોકાયા, બેંગકોકમાં એક બિલ્ડિંગ પડવા સિવાય કોઇ ખુંવારી નથી
વિમાન વ્યવહાર કલાકોમાં જ રાબેતા મુજબ ચાલુ થઇ જતાં અમદાવાદથી રાત્રે ઉપડેલી ફલાઇટો પણ ફુલ
મ્યાનમાર અને થાઇલેન્ડમાં ગઇકાલે આવેલા વિનાશક ભુકંપના પગલે થાઇલેન્ડ ગયેલા ગુજરાતી પ્રવાસીઓ અંંગે ચિંતાની લાગણી ફેલાયેલ છે ત્યારે થાઇલેન્ડમાં એકલા રાજકોટના જ 500 જેટલા પ્રવાસીઓ હોવાનું અને ભુકંપની સ્થિતિ વચ્ચે પણ પ્રવાસીઓ થાઇલેન્ડ જઇ રહ્યાનું ટુર ઓપરેટરોએ જણાવ્યું હતું.
જો કે, રાજકોટથી થાઇલેન્ડ ગયેલા તમામ પ્રવાસીઓ પતાયા, ફુકેત અને ક્રાબી સહીતના સ્થયોએ સુરક્ષીત આનંદમંગલ કરતા હોવાનું જણાવાય છે. જયારે બેંગકોકમાં જે પ્રવાસીઓ છે તે પણ સંપુર્ણ સુરક્ષીત હોવાનું ટુર ઓપરેટરોનું કહેવું છે.
રાજકોટના અલગ અલગ ટ્રાવેલ એજન્ટોનું કહેવું છે કે, બેંગકોકમાં ભુકંપથી એક નવનિર્મિત બિલ્ડીંગ ધરાશાયી થયું હતું અને તેમાં દસક શ્રમિકોના મોત થયા છે. આ સિવાય બેંગકોકમાં કોઇપણ સ્થળે ભુકંપની ખાસ અસર જણાઇ નથી કે માલ મિલકતને પણ કોઇ મોટુ નુકશાન થયું નથી. ભુકંપના કાર બે ત્રણ કલાક માટે થાઇલેન્ડના એરપોર્ટ બંધ કરાયા હતા. પરંતુ હાલ બેંગકોક સહીતના એરપોર્ટ રાબેતા મુજબ ચાલુ થઇ ગયા છે.ગતરાત પણ અમદાવાદ અને સુરતથી ઉપડેલી બેંગકોકની ફલાઇટો ફુલ ગઇ છે. પ્રવાસીઓ ભુકંપની ચિંતા કર્યા વગર થાઇલેન્ડ જઇ રહ્યા છે.
રાજકોટ જિલ્લાના લોકોની જાણકારી માટે તંત્ર દ્વારા હેલ્પલાઈન નંબર જાહેર
ગઈકાલ તા. 28 માર્ચના રોજ મ્યાનમાર અને થાઈલેન્ડ દેશમાં 7.7ની તીવ્રતાના ભૂકંપ આવેલ છે ત્યારે જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર, રાજકોટ દ્વારા મ્યાનમાર અને થાઇલેન્ડમાં આવેલા ભૂકંપમાં ફસાયેલા રાજકોટ જિલ્લાના લોકોની જાણકારી માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યો છે. હેલ્પલાઈન નંબર 0281- 2471573માં રાજકોટ જિલ્લાના ફસાયેલા લોકોનું નામ, રાજકોટ તેમજ મ્યાનમાર કે થાઇલેન્ડનું સરનામું, તાલુકાનું નામ, રાજકોટ ખાતેના તથા મ્યાનમાર કે થાઇલેન્ડ ખાતેના ફોન નંબર સહિતની વિગતો મોકલી આપવા અનુરોધ કરવામાં આવે છે.