રશિયા પાસેથી ક્રૂડ ખરીદશો તો 500 ટકા ટેરિફ: ચીનને યુએસની ધમકી
યુક્રેન યુધ્ધને પરોક્ષ ભંડોળ પુરું પાડવાનો આરોપ
અમેરિકા અને ચીન વચ્ચે વેપાર, ટેરિફ અને રશિયન તેલને લઈને તણાવ વધતાં અમેરિકા-ચીન વેપાર યુદ્ધ વધી રહ્યું છે. દરમિયાન, યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટે જણાવ્યું હતું કે યુએસ સેનેટ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ચીની આયાત પર 500 ટકા સુધીના ટેરિફ લાદવાની વ્યાપક સત્તા આપવા માટે તૈયાર છે.
વોશિંગ્ટનમાં IMF અને વિશ્વ બેંકની વાર્ષિક બેઠકો દરમિયાન CNBC ઇન્વેસ્ટ ઇન અમેરિકા ફોરમમાં બોલતા, બેસન્ટે જણાવ્યું હતું કે ચીન પર 500 ટકા ટેરિફ લાદવાના પગલાને સેનેટ તરફથી મજબૂત સમર્થન મળ્યું છે.
સ્કોટ બેસન્ટે પત્રકારોને જણાવ્યું હતું કે, US સેનેટ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને બેઇજિંગ દ્વારા રશિયન તેલ ખરીદવા માટે ચીન પર 500% ટેરિફ લાદવાની સત્તા આપવાના વિચારને સમર્થન આપવા માટે તૈયાર છે.
સ્કોટ બેસન્ટે બેઇજિંગ પર તેલ ખરીદી દ્વારા યુક્રેનમાં રશિયાના યુદ્ધને પરોક્ષ રીતે ભંડોળ પૂરું પાડવાનો આરોપ મૂક્યો હતો. તેમણે આગળ કહ્યું, ચીન દ્વારા રશિયન તેલ ખરીદવાથી રશિયન યુદ્ધ મશીનને બળતણ મળે છે.