નેપાળમાં 400 ગુજરાતીઓ ફસાયા, પરિવારજનોમાં ચિંતાનો માહોલ
અમુક હોટેલોમાં તો અમુક એરપોર્ટમાં ફસાયા, રસ્તાઓ ઉપર ટોળા ફરતા હોવાથી થરથર કાંપતા પ્રવાસીઓ
અમદાવાદના 100, ભાવનગરના 43 અને રાજકોટના 6 પ્રવાસીઓનો સંપર્ક થયો, સરકાર પાસે મદદની ગુહાર
મોબાઇલ સેવા ઠપ, કઠમંડુ સીલ કરી દેવાતા હાઇવે ઉપર વાહનોના થપ્પા લાગ્યા, રસ્તાઓ ઉપર ફરતા તોફાનીઓના ટોળાથી બિહામણા દૃશ્યો
પ્રવાસીઓને જયાં હોય ત્યાં જ રોકાઇ જવાની સલાહ, વાહન વ્યવહાર અને વિમાની સેવા બંધ, સરકારના રેસ્કયુ ઓપરેશનની રાહ
ભારતનાઅ પાડોશી રાષ્ટ્ર નેપાળમાં સર્જાયેલ અરાજકતાના પગલે ગુજરાતના 400 જેટલા યાત્રિકો કઠમંડુ તેમજ અન્ય સ્થળો પર ફસાઇ જતા તેમના પરિવારજનોમાં ચિંતાની લાગણી ફેલાયેલ છે અને કેન્દ્ર સરકાર તાકીદે ગુજરાતી પ્રવાસીઓને નેપાળની બહાર કાઢે તેવી માંગણી કરી છે.
મળતી માહિતી મુજબ અમદાવાદના જ 100 જેટલા યાત્રિક, ભાવનગરના 43 તેમજ રાજકોટ-જૂનાગઢના 6 યાત્રિકો નેપાળમાં ફસાયા છે. હાલ નેપાળમાં હાઇવે ઉપર વાહન વ્યવહાર ઉપરાંત અરેપોર્ટ બંધ કરી દેવાયા હોવાથી આ યાત્રિકો બહાર નીકળી શકેે તેવી કોઇ સ્થિતિ નથી. કેટલાક યાત્રિકો તો એરપોર્ટમાં જ ફસાયા છે. અચાનક ભારતે નેપાળની ફલાઇટો બંધ કરી દેતા આ મુસાફરો એરપોર્ટમાં જ અટવાઇ ગયા છે.
હાલ આ તમામ પ્રવાસીઓ સલામત છે. પરંતુ ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે.
નેપાળમાં હાલ અંધાધૂંધીના કારણે સંચાર વ્યવસ્થા મોટાભાગે ઠપ થઈ ગઈ છે જ્યારે ઇન્ટરનેટ વ્યવસ્થા પણ ડચકા ખાતી ચાલી રહી છે તેના કારણે ફસાયેલા લોકોનો પરિવારજનો સાથે કે અન્ય લોકો સાથે સંપર્ક થઈ શકતો નથી. નેપાળની રાજધાની કઠમંડુમાં પ્રદર્શનકારીઓએ કબજો લઈ લીધેલ છે અને ચો તરફ આગજનીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે જેના કારણે પ્રવાસીઓમાં ભારે ભયનો માહોલ સર્જાયો છે.
કઠમંડુમાં ફસાયેલા રાજકોટના બે અને જૂનાગઢના એક કપલ મળી છ લોકો હાલ કઠમંડુની હોટલમાં આશ્રય લઇ રહ્યા છે તેમનો સંપર્ક થતા તેમણે જણાવ્યું હતું કે અહીં અમારા સિવાય અનેક ગુજરાતીઓ તથા ભારતીય પ્રવાસીઓ ફસાયા છીએ. વાહન તથા વિમાન સેવાઓ બંધ થઈ ગઈ હોવાથી હાલ અમે અને અન્ય પ્રવાસીઓ જ્યાં છે ત્યાં જ મદદની રાહ જોઈ રહ્યા છીએ.
તેમણે જણાવ્યું હતું કે સ્થાનિક પોલીસ પણ મદદ કરી શકે તેવી સ્થિતિમાં જોવા મળતી નથી જ્યારે ટેલિફોન અને મોબાઈલ વ્યવસ્થા થપ્પ થઈ ગઈ હોવાથી ભારતીય દુતાવાસનો પણ સંપર્ક થઈ શકતો નથી અને જો ક્યારેક ભારતીય દુતાવાસનો ફોન લાગી જાય તો કોઈ રિસીવ પણ કરતું નથી. આવી સ્થિતિમાં અમારી પાસે હાલ રાહ જોવા સિવાય કોઈ વિકલ્પ રહ્યો નથી.
રાજકોટમાં રૈયા રોડ ઉપર રહેતા સિંચાઈ ખાતાના નિવૃત્ત અધિકારી મગનભાઈ ધડુકે જણાવ્યું હતું કે હાલ અમે છ લોકો કઠમંડુ માં પશુપતિનાથ મંદિરની સામેની એક હોટલમાં રોકાયા છીએ. આસપાસના વિસ્તારોમાં ભારે બિહામણી સ્થિતિ જોવા મળી રહી છે. ગઈકાલે મંગળવારે હજારો લોકોના ટોળા કાઠમંડુમાં બેખોફ થઈને ફરતા હતા અને ચારે તરફ આગજની તથા લૂંટફાટ જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. અહીં અનેક નેતાઓના મકાનો તથા સરકારી કચેરીઓ પણ સળગાવી દેવામાં આવી છે. જોકે હાલ પ્રવાસીઓ માટે કોઈ ચિંતા જણાતી નથી પરંતુ હોટલ બહાર નીકળતા ખૂબ ડર લાગી રહ્યો છે.
તેમણે જણાવ્યું હતું કે અમારી માફક અન્ય લોકો પણ ફસાયેલા છે. હાલ સરકારે કાઠમંડુની બોર્ડરો સીલ કરી દીધી છે અને કોઈને શહેરની બહાર જવા દેવામાં આવતા નથી તેમ જ શહેર બહારથી પણ કોઈને એન્ટ્રી આપવામાં આવતી નથી તેના કારણે કાઠમંડુથી ગોરખપુર જવાના હાઇવે ઉપર 50 કિલોમીટર થી લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે અને સંખ્યાબંધ વાહનો હાઇવે ઉપર અટવાઈ ગયા છે આ વાહનોમાં અનેક પ્રવાસીઓ તથા સ્થાનિક લોકો હાઇવે ઉપર જ ફસાયા હોવાના અમને સમાચારો મળ્યા છે.
આ સિવાય વિમા ની સેવા બંધ કરી દેવામાં આવતા અનેક લોકો એરપોર્ટ ઉપર પણ ફસાયા હોવાનું જાણવા મળે છે. હાલ અહીંથી નીકળવાનો કોઈ માર્ગ રહ્યો નથી. જો સરકાર દ્વારા રેસ્ક્યુ ઓપરેશન શરૂૂ કરવામાં આવે તો જ બહાર નીકળી શકાય તેવી સ્થિતિ છે. લાંબો સમય અહીં રહેવું પડે તો સ્થિતિ ચિંતાજનક પણ થઈ શકે અને જોખમ પણ સર્જાઈ શકે છે ત્યારે સરકારને અમે અપીલ કરીએ છીએ કે વહેલામાં વહેલી તકે નેપાળમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવામાં આવે.
મળી રહેલી જાણકારી અનુસાર, મોટા ભાગના વૃદ્ધ પ્રવાસીઓ અને આધેડ વયના 20થી વધુ સભ્યોમાંથી કેટલાકે હિંસક ટોળાઓ વચ્ચે જીવ બચાવીને એરપોર્ટ પહોંચ્યા છે, જ્યાં તેઓ સામાન હાથમાં ઉચકીને છુપાયેલા છે. પ્રવાસીઓએ MLA અમૂલ ભટ્ટ, કૌશિક જૈન અને હર્ષદ પટેલ તેમજ કેન્દ્રીય મંત્રી અમિત શાહના અંગત મદદનીશ પાસે મદદ માંગી છે. ગુજરાત વહીવટે વિદેશ મંત્રાલય (MEA ) સાથે સંપર્ક કરીને તેમને સુરક્ષિત પરત લાવવાના પ્રયાસો તેજ કર્યા છે.
અમદાવાદના ગ્રુપમાં સામેલ પ્રવાસી અશોકભાઈ બારોટે જણાવ્યું કે, આજે સવારે 10 વાગ્યે હોટલમાંથી ચેક આઉટ કરીને બસમાં બેસીને એરપોર્ટ જઈ રહ્યા હતા, ત્યારે હિંસક ટોળા મળ્યા હતા. તેઓએ બસ સળગાવી દેવાની ધમકી આપી અને ટીયર ગેસના શેલ છુટતા વૃદ્ધ પ્રવાસીઓ બેભાન થઈ ગયા હતા. સાથીઓએ પાણી છાંટીને તેમને ભાનમાં લાવ્યા અને સિનિયર સિટીઝન્સ અને આધેડ વયના 20 સભ્યો સામાન હાથમાં ઉચકીને હિંસા વચ્ચે જીવ બચાવીને એરપોર્ટ પહોંચ્યા હતા. બપોરે 2 વાગ્યે એરપોર્ટ બંધ કરીને સ્ટાફ રવાના થઈ ગયો હતો. હાલમાં એરપોર્ટની બહાર આર્મી તૈનાત છે. પ્રવાસીઓ તેમની પાસે રહેલા નાસ્તો ખાઈને એરપોર્ટમાં છુપાયેલા છે. મોટા ભાગના પ્રવાસીઓ વૃદ્ધ છે, જેમને નેપાળના તીર્થાટ અને પ્રવાસ માટે આવ્યા હતા. ત્રિભુવન આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (ઝઈંઅ) બંધ થઈ ગયું છે, જેમાં 700થી વધુ ભારતીય પ્રવાસીઓ ફસાયેલા હોવાની માહિતી સામે આવી રહી છે.
ગુજરાત સરકાર ફસાયેલા યાત્રિકોને પરત લાવવા માટે સતત પ્રયત્નશીલ
નેપાળમાં ફાટી નીકળેલી હિંસાને લઈ દેશભરના ઘણા પ્રવાસીઓ નેપાળમાં ફસાયા છે, ગુજરાતના પણ ઘણા પ્રવાસીઓ નેપાળમાં ફસાયા છે, તેને લઈ સરકારના પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે જેમાં તેમનું કહેવું છે કે, વહીવટીતંત્ર વિદેશ મંત્રાલય સાથે સતત સંપર્કમાં છે અને કેન્દ્ર સરકારના પણ પ્રવાસીઓને પરત લાવવા પ્રયાસ ચાલુ છે, પ્રવાસીને તકલીફ ન પડે તેના માટે સતત ચિંતાશીલ છે. ભાવનગરના નારીગામથી શ્રદ્ધાળુઓ નેપાળ ગયા હતા અને 43 લોકો નેપાળમાં ફસાયા હોવાની વાત સામે આવી છે, હાલમાં તમામ લોકો હોટલમાં સુરક્ષિક છે, MLA જીતુ વાઘાણીએ ફસાયેલા લોકો સાથ વાત કરી છે અને લોકોને સુરક્ષિત જગ્યા પર રહેવા જણાવ્યું છે, તો તંત્રએ ઝડપથી મુશ્કેલીમાંથી બહાર લાવવાની ખાતરી આપી છે.
હેલ્પલાઇન નંબર જાહેર કરાયા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડ (ટ્વીટર) પર પોસ્ટ કરીને જણાવ્યું કે, નેપાળમાં રાજકીય અસ્થિરતા અને હિંસાના કારણે ફસાયેલા ગુજરાતી પ્રવાસીઓ અને વિદ્યાર્થીઓની સુરક્ષા માટે રાજ્ય વહીવટ સંપૂર્ણ સંપર્કમાં છે. વિદેશ મંત્રાલય સાથે સમન્વય કરીને તેમને સુરક્ષિત પરત લાવવાના પ્રયાસો તેજ કર્યા છે. રાજ્યના અધિકારીઓને જરૂૂરી દિશાનિર્દેશ આપ્યા છે.ગુજરાતે નેપાળમાં ફસાયેલા ગુજરાતીઓ કાઠમાંડુ ભારતીય દૂતાવાસના મોબાઈલ નંબર જાહેર કર્યો છે. સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે, ગુજરાતના કોઈ વ્યક્તિને નેપાળમાં કોઈ મુશ્કેલી હોય તો આપેલા નંબર ઉપર સંપર્ક કરવાનું કહેવામાં આવ્યું છે. બંને નંબર નીચે પ્રમાણે છે. 977-9808602881, 977-98103 26134.