ટૂરિસ્ટ વિઝા પર ગયેલા 30 હજાર ભારતીયો સાયબર ગુલામીનો શિકાર
ફ્સાયેલાઓમાં 1928 ગુજરાતના, મની લોન્ડરિંગ, ડેટિંગ એપ, છેતરપિંડીમાં ઉપયોગ
ઘણા ભારતીયો વિદેશમાં ફરવા કે નોકરી કરવાના ચક્કરમાં ગયા, તેમાંથી લગભગ 30 હજાર ભારતીયો સાયબર ગુલામીનો શિકાર બન્યા છે. આમાંથી અડધાથી વધુ 20-39 વર્ષની વય જૂથના છે અને આ યાદીમાં મોટાભાગના લોકો પંજાબના છે.
કામની શોધમાં વિદેશ ગયેલા ઘણા ભારતીયો તેમના દેશમાં પાછા ફર્યા નથી. હવે ઘણા ભારતીયો વિદેશમાં કામ કરવાનું અને ત્યાં સ્થાયી થવાનું સપનું જોતાં હોય છે કારણ એક વિદેશમાં વધુ સારા પૈસા, વધુ સુવિધાઓ મળે છે. પણ ઘણી વખત આ સપનાના ચક્કરમાં લોકો ત્યાં ફસાઈ પણ જતાં હોય છે. એક રિપોર્ટ અનુસાર લગભગ 30 હજાર ભારતીયો સાયબર ગુલામીનો શિકાર બન્યા છે.
જાન્યુઆરી 2022 થી મે 2024 સુધી વિઝિટર વિઝા પર કંબોડિયા, થાઈલેન્ડ, મ્યાનમાર અને વિયેતનામ ગયેલા 73,138 ભારતીયોમાંથી 29,466 હજુ પાછા ફરવાના બાકી છે. આમાંથી અડધાથી વધુ 20-39 વર્ષની વય જૂથના છે અને આ યાદીમાં મોટાભાગના લોકો પંજાબના છે. રિપોર્ટ અનુસાર આ લોકોને મની લોન્ડરિંગ, ક્રિપ્ટોકરન્સીની છેતરપિંડી અને ડેટિંગ અથવા લવ સ્કેમ્સની લાલચ આપવામાં આવી હતી.રિપોર્ટ અનુસાર પંજાબમાંથી 3667, મહારાષ્ટ્રમાંથી 3233, તમિલનાડુમાંથી 3124, યુપીમાંથી 2659, કેરળમાંથી 2140, દિલ્હીથી 2068, ગુજરાતમાં 1928, કર્ણાટકમાંથી 1200, તેલંગાણામાંથી 1169 અને રાજસ્થાનમાંથી 1041 ભારતીયો વિદેશમાં છે, જેઓ આજ સુધી પાછા નથી ફર્યા કારણ કે તેઓ ત્યાં સાયબર ગુલામીનો શિકાર બન્યા છે.
થાઈલેન્ડથી 20450 ભારતીયો પાછા નથી ફર્યા. જેમાંથી વિયેતનામથી 6242, કંબોડિયાથી 2271 અને મ્યાનમારથી 503 ભારતીયો તેમના દેશમાં પાછા ફરવાની રાહ જોઈ રહ્યા છે.આ રેકેટમાંથી કેટલાક લોકોને બચાવવામાં આવ્યા છે, એમને આ વિશે કહ્યું કે ત્યાં તેમના પાસપોર્ટ પણ છીનવી લેવામાં આવ્યા હતા, જે બાદ તેઓ ફેક એકાઉન્ટ બનાવવા માટે દબાણ કરતા હતા અને મહિલાઓના ફોટા પોસ્ટ કરીને અન્ય લોકો સાથે વાત કરતા હતા. સાથે જ પૈસા વસૂલતાની સાથે જ એકાઉન્ટ બ્લોક કરી દેવામાં આવતું હતું.
આ સાયબર ગુલામી શું છે?
તો સાયબર સ્લેવરીએ નોકરી ઈચ્છુકોને ઈન્ટરનેટ દ્વારા ખોટા વચનો આપીને તેમના ઓનલાઈન છેતરપિંડી રેકેટમાં ફસાવવાની એક પ્રક્રિયા છે, જ્યાં નોકરી ઈચ્છુકો એવી ઓનલાઈન જાહેરાતોનો શિકાર બને છે જેમાં તેઓ વિદેશમાં નોકરી મેળવી શકે છે. વિદેશ પહોંચવા પર, તેમના પાસપોર્ટ જપ્ત કરવામાં આવે છે, તેમને બંધક બનાવવામાં આવે છે અને અન્ય ભારતીયોને છેતરવા માટે કામે લગાડવામાં આવે છે.