નાઇજીરિયામાં 215 છાત્રો અને 12 શિક્ષકોના અપહરણ
નાઇજીરીયાના નાઇજર રાજ્યમાં એક આઘાતજનક ઘટના બની જ્યારે સશસ્ત્ર ગુનેગારોએ કેથોલિક સ્કૂલમાં હુમલો કર્યો અને 200 થી વધુ બાળકો અને 12 શિક્ષકોનું અપહરણ કર્યું. આ હુમલો અગવારા સ્થાનિક વહીવટી વિસ્તારમાં સ્થિત પાપિરી સમુદાયની સેન્ટ મેરી સ્કૂલમાં થયો હતો. નાઇજીરીયાના ખ્રિસ્તી સંગઠન અનુસાર, બંદૂકધારીઓએ શાળામાં હુમલો કર્યો અને 215 બાળકો અને વિદ્યાર્થીઓ તેમજ 12 શિક્ષકોને બંધક બનાવ્યા. નાઇજર રાજ્યના CAN પ્રવક્તા ડેનિયલ એટોરીએ જણાવ્યું હતું કે આ ઘટનાથી વિસ્તારમાં ગભરાટ અને ભયનું વાતાવરણ સર્જાયું છે.
સ્થાનિક વહીવટ અને સુરક્ષા દળોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. જોકે, હુમલાખોરો અથવા બાળકોને ક્યાં લઈ જવામાં આવ્યા છે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. તાજેતરના વર્ષોમાં નાઇજીરીયાના ઉત્તર-મધ્ય અને ઉત્તર-પશ્ચિમ પ્રદેશોમાં શાળાઓમાંથી સામૂહિક અપહરણની ઘટનાઓમાં વધારો થયો છે.
ઉલ્લેખનીય છે કે આ અઠવાડિયે, ઉત્તર-પશ્ચિમ નાઇજીરીયાનાં કેબ્બી રાજયમાં એક શાળા પર બંદૂકધારીઓએ હુમલો કર્યો હતો, જેમાં 25 વિદ્યાર્થીનીઓનું અપહરણ કરવામાં આવ્યું હતું. આ હુમલામાં એક શાળા કર્મચારીનું મોત થયું હતું અને અન્ય એક ઘાયલ થયો હતો. કસોટીને પહોંચી વળવા રાષ્ટ્રપતિ બોલા ટિયુબીએ જોહાનિસબર્ગમાં જી-20 સંમેલનમાં હાજરી આપવા સહીતના કાર્યક્રમો રદ કર્યા છે.