ઇરાનમાં ફસાયેલા 110 ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકા પહોંચ્યા: જયોર્જિયા-પશ્ર્ચિમ એશિયાથી વતન લવાશે
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે વધી રહેલા લશ્કરી તણાવ વચ્ચે ભારતીય વિદેશ મંત્રાલયે ઈરાન-ઈઝરાયલ યુદ્ધને ધ્યાનમાં રાખીને કાશ્મીરીઓ સહિત તમામ ભારતીય વિદ્યાર્થીઓને ઈરાનથી સુરક્ષિત રીતે લાવવાની પ્રક્રિયા શરૂૂ કરી છે. ત્રણ યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓને હાલ માટે સલામત સ્થળે લઈ જવામાં આવ્યા છે. અન્ય વિદ્યાર્થીઓને પણ સ્થાનાંતરિત કરવામાં આવી રહ્યા છે. ઈરાનમાં દસ હજાર ભારતીય વિદ્યાર્થીઓ છે, જેમાં લગભગ દોઢ હજાર કાશ્મીરીઓનો સમાવેશ થાય છે. મોટાભાગના વિદ્યાર્થીઓ ત્યાં મેડિકલનો અભ્યાસ કરવા ગયા છે. બીજી તરફ ભારતીય દુતાવાસે ભારતીય મુળના લોકોને તહેરાન છોડી સુરક્ષીત સ્થળોએ જવા અને પોતાના ઠામઠેકાણાની જાણ દુતાવાસને કરવા જણાવ્યું છે.
સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે ઈરાનની હવાઈ સીમા બંધ થવાને કારણે વિદ્યાર્થીઓને આર્મેનિયાના રસ્તે બહાર કાઢવામાં આવી રહ્યા છે. આર્મેનિયાથી વિદ્યાર્થીઓને જ્યોર્જિયા અને પછી પશ્ચિમ એશિયા થઈને ભારત લાવવામાં આવી શકે છે. 110 વિદ્યાર્થીઓનું પહેલું જૂથ આર્મેનિયા સરહદ પર પહોંચી ગયું છે.
ભારતીય દૂતાવાસે સોમવારે તેહરાનથી વિદ્યાર્થીઓને બહાર કાઢવા માટે બસોની વ્યવસ્થા કરી હતી. તેહરાન યુનિવર્સિટી ઓફ મેડિકલ સાયન્સ, ઇસ્લામિક આઝાદ યુનિવર્સિટી અને ઈરાન યુનિવર્સિટી ઓફ મેડિકલ સાયન્સના તમામ ભારતીય વિદ્યાર્થીઓને સલામત સ્થળોએ મોકલવામાં આવ્યા છે. શાહિદ બેહેશ્તી યુનિવર્સિટી ઓફ મેડિકલ સાયન્સના ભારતીય વિદ્યાર્થીઓને સવારે 10 વાગ્યે (ઈરાનના સમય મુજબ) વેલેંજક યુનિવર્સિટીના ગેટ નંબર 2 પરથી કોમ શહેરમાં મોકલવામાં આવ્યા હતા.
ઉર્મિયા યુનિવર્સિટી ઓફ મેડિકલ સાયન્સિસમાંથી પણ વિદ્યાર્થીઓને સલામત સ્થળે મોકલવામાં આવી રહ્યા છે. ભારતીય દૂતાવાસે શિરાઝ યુનિવર્સિટી અને ઇસ્ફહાન યુનિવર્સિટી ઓફ મેડિકલ સાયન્સિસના વહીવટીતંત્ર સાથે વાત કરી છે. મંગળવારે સવારે અહીંથી વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવશે.
દૂતાવાસે તમામ ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓને ઘરની અંદર રહેવા અને સત્તાવાર ચેનલો પર નજર રાખવા જણાવ્યું છે. વિદેશ મંત્રાલયે એક ટેલિગ્રામ ચેનલ બનાવી છે જ્યાં વિદ્યાર્થીઓ તેમની સંપર્ક વિગતો અપડેટ કરી શકે છે અને અપડેટ્સ મેળવી શકે છે. ભારતીય દૂતાવાસે અરાક યુનિવર્સિટીમાંથી તમામ ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં મદદની વિનંતી કરી છે.