શેરબજારમાં અવિરત તેજી, સેન્સેક્સ 69500 ને પાર, નિફ્ટી 21000 નજીક
રાજસ્થાન, મધ્યપ્રદેશ, છતીસગઢ, તેલંગાણા અને મિજોરમના ચુંટણી પરિણામો બાદ શેરબજારમાં શરૂ થયેલી તોફાની તેજી આજે સતત ત્રીજા દિવસે પણ યથાવત રહી હતી અને આજે શેરબજાર તેજી સાથે ખુલતા સેન્સેકસે 69500ની સપાટી વટાવી હતી અને નવો હાઇ બનાવ્યો હતો. જયારે નિફટીએ પણ 20900ની સપાટી પાર કરી હતી. અદાણીના શેરોમાં આજે પણ તેજી ચાલુ રહી હતી.
સેન્સેકસ ગઇકાલે 69296ના સ્તરે બંધ રહ્યા બાદ આજે સવારે 69395ના સ્તરે ખુલી એક તબક્કે 377 પોઇન્ટ વધીને 69673ના નવા સ્તરે પહોંચ્યો હતો. આજ રીતે નિફટી પણ ગઇકાલે 20855ના સ્તરે બંધ રહ્યા બાદ આજે સવારે તેજી સાથે 20887 અંકના સ્તરે ખુલી એક તબક્કે 103 પોઇન્ટ વધીને 20958ના સ્તરે પહોંચી હતી. આમ શેરબજારમાં ચુંટણી પરિણામો બાદ તેજીની હેટ્રીક જોવા મળી હતી. અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી ગ્રીન, અદાણી પોર્ટ સહીતનાં શેરોમાં આજે સતત ત્રીજા દિવસે તેજી જોવા મળી હતી.