For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોદી સરકારમાં જૂના જોગીઓને જ ફરી કેબિનેટનું મંત્રી પદ

12:15 PM Jun 11, 2024 IST | Bhumika
મોદી સરકારમાં જૂના જોગીઓને જ ફરી કેબિનેટનું મંત્રી પદ
Advertisement

નરેન્દ્ર મોદીએ વડા પ્રધાનપદે શપથ લઈ લીધા અને તેમની સાથે 71 મંત્રીઓએ પણ શપથ લઈ લીધા. મોદી સરકારના 71 મંત્રીઓમાં 30 કેબિનેટ મંત્રી, 36 રાજ્યકક્ષાના મંત્રી અને 5 સ્વતંત્ર હવાલા સાથેના રાજ્ય કક્ષાના મંત્રીઓએ પણ શપથ લીધા છે. એનડીએની આ મોરચા સરકારમાં શપથ લેનારા 72 મંત્રીઓમાંથી 11 મંત્રી સાથી પક્ષોના છે. એનડીએ મોરચાના પક્ષોમાંથી ભાજપ સિવાય જેડીયુ, જેડીએસ, શિવસેના અને ટીડીપીના સાંસદોએ કેન્દ્રીય મંત્રીપદના શપથ લીધા છે. મોદીએ પોતાના સાથીઓને સાચવવા માટે મોટા પ્રમાણમાં મંત્રીપદ આપવાં પડશે એવું મનાતું હતું પણ તેના બદલે સાથી પક્ષોના 11 મંત્રી જ છે તેથી ભાજપનો હાથ ઉપર છે એ સ્પષ્ટ છે. સાથી પક્ષોમાં તો એ લોકો જેનાં નામ આપે તેને મંત્રી બનાવવા પડે તેથી મોદી પાસે કોઈ પસંદગી નહોતી પણ ભાજપમાંથી મંત્રીઓની પસંદગી કરવામાં મોદીએ જોખમ લેવાનું ટાળ્યું છે. છેલ્લી ટર્મમાં મોદી કેબિનેટના સીનિયર મંત્રીઓને રીપીટ કરાયા છે.

રાજનાથસિંહ, અમિત શાહ, નીતિન ગડકરી, નિર્મલા સીતારામન, પીયૂષ ગોયલ, જુએલ ઓરમ, ધર્મેન્દ્ર પ્રધાન, સર્બાનંદ સોનોવાલ, કિરેન રિજિજુ, અશ્વિની વૈષ્ણવ સહિતના જૂના જોગીઓને મોદીએ ફરી તક આપી છે. સામે સ્મૃતિ અનુરાગ ઠાકુર અને નારાયણ રાણે જેવા જૂના જોગીઓને પડતા પણ મૂક્યા છે. સ્મૃતિ ઈરાની અને રાજીવ ચંદ્રશેખર જેવા નેતાઓ હારી જતાં તેમના સ્થાને ખાલી પડેલી જગાઓ પર શિવરાજસિંહ ચૌહાણ અને મનોહરલાલ ખટ્ટર જેવા ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓને સમાવી લેવાયા છે. ભાજપ પાસે લોકસભામાં સ્પષ્ટ બહુમતી નથી એ જોતાં ભાજપ સરકારે બહુ અસરકારક રીતે કામ કરવું પડશે. બલ્કે કામ જ કરવું પડશે એમ કહીએ તો ચાલે. છેલ્લાં 10 વર્ષમાં ભાજપે હિંદુ-મુસ્લિમના નામે ઉન્માદ પેદા કરીને કે કામ ઓછું કરીને ને પ્રચાર વધારે કરીને ચલાવ્યું એવું હવે નહીં ચાલે. ભાજપ ચંદ્રાબાબુ નાયડુ અને નીતીશ કુમાર એ બે મુસ્લિમ તુષ્ટિકરણના ચેમ્પિયનોની કાંખઘોડી પર ઊભો છે તેથી હવે હિંદુ-મુસ્લિમ જરાય ચાલવાનું નથી તેથી ભાજપ સરકાર પાસે લોકોનાં કામ કરવા સિવાય વિકલ્પ નથી.

Advertisement

વિપક્ષ પણ મજબૂત છે એ જોતાં ભાજપે સતર્ક રહેવું જ પડે તેથી મોદીએ પસંદ કરેલી ટીમ યોગ્ય જ છે. મોદી મંત્રીમંડળની રચનામાં ગુજરાતને મોટો ફાયદો થયો છે. ભાજપના ઉત્તર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર અને રાજસ્થાન જેવા ગઢ ધરાશાયી થઈ ગયા ત્યારે મધ્ય પ્રદેશ અને ગુજરાત એ બે જ રાજ્યો ભાજપને પડખે રહ્યાં છે. મધ્ય પ્રદેશે તો તમામ 29 લોકસભા બેઠકો ભાજપને આપી દીધી. ગુજરાતમાં ગેનીબેન ઠાકોરે પોતાની તાકાત પર જીતીને ભાજપને તમામ 26 બેઠકો જીતવાની હેટ્રિક ના કરવા દીધી પણ છતાં ગુજરાતમાં ભાજપનો દેખાવ જોરદાર રહ્યો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement