For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બોટાદ તાલુકા પંચાયતમાં ગાયો સાથે માલધારીઓએ કર્યો ઘેરાવ

01:11 PM Jul 02, 2024 IST | Bhumika
બોટાદ તાલુકા પંચાયતમાં ગાયો સાથે માલધારીઓએ કર્યો ઘેરાવ
Advertisement

બોટાદના માલધારીઓ ગૌચરની જમીન માટે જંગે ચડ્યાં. ગઢડામાં આવેલા મેઘવડિયા ગામમાં જમીન માફિયાઓએ ગૌચરની જમીન પર છેલ્લા 3 વર્ષથી કબજો કરી લેતાં હવે માલધારીઓ વિફર્યા છે. ત્યારે અનેક રજૂઆત છતાં તંત્રએ કોઈ ધ્યાન ન દેતા માલધારીઓએ અનોખો વિરોધ કરીને બહેરા તંત્રના કાને પોતાની માગ પહોંચાડવા પ્રયાસ કર્યો છે.

બોટાદના ગઢડામાં આવેલા મેઘવડિયા ગામની અંદાજે 40 હેક્ટર જમીન પર ભૂમાફિયાઓએ કબજો કરી લીધો છે. છેલ્લા 3 વર્ષથી કબજો જમાવીને બેઠેલા ભૂમાફિયાઓ વિરૂૂદ્ધ માલધારીઓએ અનેક વખત તંત્રમાં રજૂઆત કરી છતાં આજદીન સુધી કોઈ કાર્યવાહી ન કરાઈ. ત્યારે અંતે તંત્રની આળસથી કંટાળેલા માલધારીઓ પોતાના માલઢોર સાથે નીકળ્યા અને 8-10 કિલોમીટર પગપાળા ચાલીને તાલુકા પંચાયતની કચેરીએ પહોંચ્યા અને પોતાના માલઢોર કચેરીમાં જ છૂટા મુકી દીધા.

Advertisement

મેઘવડીયા ગામથી અંદાજે 9 કિલોમીટર ગાયો હંકારી 300થી 400 ગાયો સાથે માલધારીઓ ગઢડાની તાલુકા પંચાયત કચેરીએ પહોંચ્યા. ત્યાં પહેલા માલધારીઓને કચેરીમાં પ્રવેશવા ન દેતા ધક્કામુકીના દ્રશ્યો પણ સર્જાયા હતા. પોલીસ તંત્ર માટે પણ માલધારીઓને કંટ્રોલ કરવા એક પડકાર સમાન બની જતાં થોડીવાર માટે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા. તેમ છતાં ગૌચરની જમીન બચાવવા નીકળેલા માલધારીઓ માન્યા જ નહીં અને જબરદસ્તી કચેરીનો ગેટ ખોલીને કચેરીના પ્રાંગણમાં જ અડિંગો જમાવીને બેસી ગયા હતા.

તાલુકા વિકાસ અધિકારીએ માલધારીઓને બોલાવ્યા અને તેમની રજૂઆત સાંભળી હતી. ત્યારે માલધારીઓની રજૂઆત બાદ તાલુકા વિકાસ અધિકારીએ દસ જ દિવસમાં આ મામલે સુખદ નિરાકરણ લાવવાની બાહેધરી આપી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement