ભાટિયામાં આધેડ પાસેથી રાક્ષસી વ્યાજ વસુલનાર પિતા-પુત્ર સામે અંતે ગુનો નોંધાયો
ધમકી આપી ચેક લખાવી લીધા’ તા
કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે રહેતા અરજનભાઈ જીવાભાઈ આંબલીયા નામના 54 વર્ષના આધેડે તા. 01-9-2017 થી તા. 10-3-2021 દરમિયાન ભાટિયાના રહીશ મનસુખલાલ હરિદાસ દાવડા અને પ્રતીક મનસુખલાલ દાવડા પાસેથી બે ટકા લેખે 40 લાખ રૂૂપિયા આજે લીધા હતા. સમયાંતરે તેમણે રૂૂપિયા 86.50 લાખ રોકડા આપી દીધા પછી પણ વ્યાજ અને મુદ્દલ સહિત રૂૂપિયા 72.50 લાખની માંગણી કરી, આરોપીઓએ બિભત્સ ગાળો કાઢી, બેન્કના ચેક લખાવી લઈને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે અંગે પોલીસે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. યુ.બી. અખેડ દ્વારા હાથ ધરવામાં આવી છે.
નવ શખ્સો ઝડપાયા
દ્વારકા નજીકના બરડીયા ગામેથી પોલીસે જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા નાયા દુદા ચાસીયા, વેજાભા જગાભા માણેક, જેઠા પેથા ચાસીયા, મનસુખ ભાયા વારસાખિયા, રાણા નાગાજણ સાદીયા, ખીમરાજ પાલા સાદીયા અને ભૂરા રાજશી સાદીયા નામના સાત શખ્સોને ઝડપી લઇ, રૂૂપિયા 12,370 નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. અન્ય એક કાર્યવાહીમાં મીઠાપુર પોલીસે બકાલા માર્કેટ પાસેથી ભીખલ રમેશ સંચાણિયા અને અજય મનોજ ગોપને જુગાર રમતા ઝડપી લઇ, મુદ્દામાલ કબજે કર્યો હતો.
મહિલાનું મૃત્યુ
ખંભાળિયા નજીકના શક્તિનગર વિસ્તારમાં રહેતા જાગૃતિબેન અનિલભાઈ કણજારીયા નામના 28 વર્ષના પરણીત મહિલાને છેલ્લા નવેક વર્ષથી હૃદયના વાલ્વની બીમારી હોય, જેના કારણે તેમને ચારેક માસથી સારવાર અર્થે અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં શ્વાસની તકલીફ ઉપડતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. જે અંગેની જાણ મૃતકના પતિ અનિલભાઈ દેવરાજભાઈ કણજારીયાએ અહીંની પોલીસને કરી છે.