For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઉપલેટા નજીક દુષ્કર્મનો ભોગ બનેલી પીડિતાને ગર્ભપાતની દવા આપનાર હોસ્ટેલ સંચાલકની ધરપકડ

11:45 AM Jun 25, 2024 IST | Bhumika
ઉપલેટા નજીક દુષ્કર્મનો ભોગ બનેલી પીડિતાને ગર્ભપાતની દવા આપનાર હોસ્ટેલ સંચાલકની ધરપકડ
Advertisement

ઉપલેટા નજીક ખિરસરા ઘેટિયા ગામે ગુરૂકુળમાં રાજકોટની યુવતિ પર સ્વામીએ દુષ્કર્મ આચરી સગર્ભા બનાવ્યા બાદ યુવતિને ગર્ભપાતની દવા આપી ગર્ભ પડાવી નાખ્યાનો ચોકાવનારો કિસ્સો પોલીસ ચોપડે નોંધાતા સનસનાટી મચી જવા પામી છે. જ્યારે આ ગુનામાં નાસતાફરતા અને સ્વામીને મદદગારી કરનાર હોસ્ટેલના સંચાલકની પોલીસે મહારાષ્ટ્રના કોલ્હાપુરમાંથી ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ પર મેળવ્યો છે. અને મુખ્ય આરોપી ધરમસ્વરૂપદાસ સ્વામી અને નારાયણસ્વરૂપદાસ સ્વામીની ધરપકડ કરવાની પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

આ ઘટના અંગેની જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં રહેતી યુવતિએ ભાયાવદર પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદમાં ત્રણ વર્ષ પહેલા તેના મોબાઈલ ફોન પર ખિરસરા ઘેટિયા ગામે આવેલ ગુરુકુળના સ્વામી ધરમસ્વરૂપદાસે તેના મોબાઈલફોન પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. ત્યાર બાદ બન્ને અવાર નવાર વાતચીત કરતા હતા અને ઓળખાણ થયા બાદ યુવતિને મળવા માટે ગુરુકુળ બોલાવી હતી.

Advertisement

સ્વામીની લોભામણી વાતોમાં આવી જઈ યુવતિ તેને મળવા ગુરુકુળ પહોંચી ત્યારે તેને હોસ્ટેલમાં રાખવામાં આવી હતી. અને ધરમસ્વરૂપદાસ સ્વામીએ હોસ્ટેલના રૂમમાં જ ગાંધરવા લગ્ન કરી તેના પર દુષ્કર્મ આચર્યુ હતું. ત્યાર બાદ અવાર નવાર યુવતિને મળવા બોલાવી તેના પર અનેક વખત દુષ્કર્મ આચરતા યુવતિ સગર્ભા બની ગઈ હતી. જેની જાણ સ્વામીને કરતા પોતાની ગુરુકુળના હોસ્ટેલના સંચાલક મયુર કાસોદરિયા યુવતિને ગર્ભપાતની દવા આપી ગર્ભ પડાવી નાખ્યો હતો.

ત્યાર બાદ યુવતિને ધરમસ્વરૂપદાસ સ્વામીએ કંઠી પહેરાવી દીક્ષા આપી પોતાની સાથે રાખવાની લાલચ આપી યુવતિને ટ્રેનીંગ માટે ભૂજ અને હળવદ મોકલી આપી હતી. આ બનાવ અંગે યુવતિએ તેના પરિવારજનોને જાણ કરતા એક સપ્તાહ પહેલા અંતે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં મુખ્ય આરોપી ધરમદાસસ્વામી, નારાયણ સ્વરૂપદાસ સ્વામી અને હોસ્ટેલ સંચાલક મયુરભાઈ કાસોદરિયા સામે પોલીસે ગુનો નોંધ્યો હતો.

જો કે, પોલીસ ફરિયાદ થયા બાદ બન્ને સ્વામી અને હોસ્ટેલ સંચાલક ભુગર્ભમાં ઉતરી ગયા હતાં દરમિયાન હોસ્ટેલ સંચાલક મયુર ઉકાભાઈ કાસોદરિયા મહારાષ્ટ્રના કોલ્હાપુર ગામે હોવાની એલસીબીને મળેલી ચોક્કસ બાતમીના આધારે કોલ્હાપુરથી આરોપીની ધરપકડ કરીબે દિવસના રિમાન્ડ પર મેળવી તપાસનીસ અધિકારીને સોંપી દેવામાં આવ્યો છે. જ્યારે બન્ને સ્વામી ક્યાં છુપાયા છે તેની માહિતી મેળવવા આરોપીની સઘન પુછપરછ હાથ ધરવામાં આવી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement