For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઓનર કિલિંગ: યુવતીને ભગાડી જનાર યુવકની ક્રૂર હત્યા કરી લાશ ફેંકી દીધી

12:55 PM May 09, 2024 IST | Bhumika
ઓનર કિલિંગ  યુવતીને ભગાડી જનાર યુવકની ક્રૂર હત્યા કરી લાશ ફેંકી દીધી
Advertisement

ચોટીલા પંથકની દિલધડક ઘટના: સાથે કડિયા કામ કરતાં પ્રેમસંબંધ બંધાયો: પાંચ દિવસ પહેલા કોળી યુવતીને ભગાડી ગયા બાદ ગઈકાલે યુવકનો રાજાવાડની સીમમાંથી કોહવાયેલ મૃતદેહ મળ્યો: યુવતીના પરિવાર સામે નોંધાતો ગુનો

આજના સોશ્યલ મીડિયાના યુગમાં પણ ઓનર કિલીંગની ઘટનાઓ વધી રહી છે. ચોટીલા પંથકમાં કડીયા કામ કરતાં અનુસુચિત જાતિના શ્રમિક યુવાનને પોતાની સાથે જ કડીયા કામે આવતી કોળી યુવતી સાથે આંખ મળી જતાં બન્ને વચ્ચે પ્રેમ સંબંધ પાંગર્યો હતો અને પાંચ દિવસ પહેલા બન્ને ઘરેથી ભાગી ગયા બાદ યુવતીના પરિવારજનોએ પ્રેમ પંખીડાને શોધી યુવતીને ઘરે મોકલી દઈ અનુસુચિત જાતિના યુવકની ક્રુર હત્યા કરી ગુપ્તાંગ અને હાથ કાપી નાખી પુરાવાના નાશ કરવા અંગે રાજાવાડની સીમમાં નદીના કાંઠે લાશ ફેંકી સળગાવી દેવાનો પ્રયાસ કર્યાની ઘટના પોલીસ ચોપડે નોંધાતા સનસનાટી મચી જવા પામી છે. આ બનાવ અંગે યુવતીના પરિવારજનોના છ શખ્સો સામે ગુનો નોંધી હત્યા કયાં કરી અને કેવી રીતે કરી તે જાણવા આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

Advertisement

ફિલ્મની સ્ટોરીને આંટે તેવી ઓનર કિલીંગની આ ઘટના અંગેની પોલીસ દફતરેથી જાણવા મળતી વિગત મુજબ, ચોટીલાના રાજાવાડ ગામે રહેતા મુળાભાઈ હમીરભાઈ વાઘેલા (ઉ.55)એ પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે ચોટીલાના દેવસર ગામે રહેતા નાગજીભાઈ ગોવિંદભાઈ કોળી, સુખાભાઈ રણછોડભાઈ કોળી, જયેશ નરશીભાઈ કોળી, રામાભાઈ રણછોડભાઈ કોળી, દિનેશભાઈ કેહાભાઈ કોળી અને વાલાભાઈ માનસિંગભાઈ કોળી સહિતના શખ્સોના નામ આપ્યા છે.

પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદીને સંતાનમાં ત્રણ પુત્ર અને એક પુત્રી હોય અને મજુરી કામ કરી પરિવારજનો ઘરનું ગુજરાન ચલાવતાં હતાં. વચેટ પુત્ર દિલીપ (ઉ.26) કડીયા કામ કરતો હોય છેલ્લા ત્રણ માસથી દેવસર ગામે નવા મકાનના બાંધકામ માટે કડિયા કામનો કોન્ટ્રાકટ રાખ્યો હતો અને દરરોજ દેવસર ગામે કડિયા કામે જતો હતો.

અપરિણીત દિલીપ વાઘેલાને દેવસર ગામની જ પ્રવિણભાઈ નરશીભાઈ નેસરીયાની પુત્રી સાથે આંખ મળી જતાં બન્ને વચ્ચે પ્રેમ સંબંધ પાંગર્યો હતો. પ્રવિણભાઈ કોળીની પુત્રી પણ અનુસુચિત જાતિના યુવક સાથે કડિયા કામ કરવા આવતી હતી. ત્રણ માસના પ્રેમ સંબંધ બાદ પાંચ દિવસ પહેલા આ પ્રેમી યુગલ દેવસર ગામેથી ભાગી ગયું હતું. જેની જાણ ફરિયાદીને થતાં પોતાના પુત્રની શોધખોળ શરૂ કરી હતી. બીજી બાજુ દેવસર ગામના સંબંધીએ ફોન કરી દિલીપની ભાળ લેવા માટે પરિવારજનોને કહ્યું હતું.

પાંચ દિવસ પહેલા નાસી છુટેલ પ્રેમ યુગલને યુવતીના પરિવારજનો પણ શોધી રહ્યા હતાં ત્યારે બે દિવસ પહેલા યુવતીના પરિવારજનો અને ગામના 20 થી 25 શખ્સો ફરિયાદીને મળ્યા હતા અને ધમકી આપી હતી કે છોકરીને શોધીને તમારા છોકરાને તૈયાર કરીને તમારા હાથમાં આપી દેવો છે. તેમ કહ્યું હતું. તેના કારણે ફરિયાદીને બીક લાગતાં તેનું બીપી વધી ગયું હતું.

ગત તા. 5-5-2024ના દેવસર ગામેથી નાના ભાઈ દિનેશને ફોન આવેલ કે તમારો દિકરો ભુલી જવાનો તેવી વાત કરી હતી. હવે તમારે દિકરો જીંદગી આંખી ભુલી જ જો, કૂતરા, કાગળા ખાઈ ગયા હશે તેમ કહ્યું હતું. બાદમાં તપાસ કરતાં ગઈકાલે બપોરે રાજાવડલા ગામની સીમમાં નદીના કાંઠેથી કોહવાયેલ હાલતમાં દિલીપ વાઘેલાનો મૃતદેહ મળી આવ્યો હતો જેનો એક હાથ કપાયેલો હતો અને લાશને સળગાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. તેના કપડા પરથી તેની ઓળખ મળી હતી.

આ ઘટના અંગે ચોટીલા પોલીસને જાણ કરતાં પોલીસે યુવતીના પરિવારજનો સામે હત્યા, પુરાવાનો નાશ, ધમકી અને એટ્રોસિટીની કલમો હેઠળ ગુનો નોંધી આ પ્રેમી યુવાનની કયાં સ્થળે હત્યા કરાઈ અને હત્યામાં કોણ કોણ સામેલ હતા અને કેવી રીતે હત્યા કરવામાં આવી ? તે સહિતના તમામ મુદ્દાઓ પર તપાસ કેન્દ્રીત કરી આરોપીઓની ધરપકડ કરવાના ચક્રોગતિમાન કર્યા છે.

યુવકનું ગુપ્તાંગ કાપી લાશ સળગાવવાનો પ્રયાસ
ચોટીલા પંથકમાં ઓનર કિલીંગની ઘટના પ્રકાસમાં આવી છે. પાંચ દિવસ પહેલા કોળી યુવતીને ભગાડી જનાર અનુસુચિત જાતિના યુવકને યુવતીના પરિવારજનોએ શોધી કાઢી યુવતીને ઘરે મોકલી દીધા બાદ અજ્ઞાત સ્થળે યુવકની ક્રુર હત્યા કરવામાં આવી હતી અને ગુપ્તાંગ તેમજ હાથ કાપી નાખી પુરાવાનો નાશ કરવાના ઈરાદે લાશને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે મોતનું ચોક્કસ કારણ જાણવા યુવકના મૃતદેહને ફોરેન્સીક પોસ્ટ મોર્ટમ અર્થે રાજકોટની મેડીકલ કોલેજમાં મોકલી આપવામાં આવ્યો છે.

યુવકની હત્યા થતાં ચોટીલામાં પરિવારજનોએ કર્યો ચક્કાજામ, પોલીસ સ્ટેશનને ઘેરાવ
ચોટીલાના રાજાવડલા ગામે રહેતા અને કડીયા કામ કરતાં અનુસુચિત જાતિના યુવકની કોળી યુવતીના પરિવાર જનોએ અજ્ઞાત સ્થળે ક્રુર હત્યા કરી લાશને રાજાવડલા ગામની સીમમાં ફેંકી દીધાની ઘટના પોલીસ ચોપડે નોંધાતાં અનુસુુચિત જાતિના લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો અને ચોટીલા રેફરલ હોસ્પિટલ ખાતે સગા સંબંધીઓ અને જ્ઞાતિના આગેવાનો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા અને હાઈવે પર ચક્કા જામ કરી પોલીસ સ્ટેશનને ઘેરાવ કર્યો હતો. આ ઘટનાની જાણ થતાં સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા અને ડીવાયએસપી સહિતનો કાફલો ચોટીલા દોડી ગયો હતો અને રાજાવડલા ગામ તેમજ દેવસર ગામે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement