For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટમાં ‘હિટ એન્ડ રન’, ધો.12ના છાત્રનું મોત

12:18 PM Jun 14, 2024 IST | Bhumika
રાજકોટમાં ‘હિટ એન્ડ રન’  ધો 12ના છાત્રનું મોત
Advertisement

સ્કૂલ ચાલુ થાય તે પૂર્વે દેવદર્શન કરી મિત્ર સાથે પરત ફરતા કાળ ભેટ્યો

રાજકોટ શહેરમાં પૂરઝડપે દોડતા બેફામ વાહન ચાલકો દ્વારા અનેકવાર અકસ્માત સર્જાતા હોવાની ઘટનાઓ સામે આવે છે. અકસ્માત સર્જાયા બાદ ઇજાગ્રસ્તોને હોસ્પિટલે લઇ જવાના બદલે અકસ્માત સર્જી ચાલક ફરાર થઇ જતા હોવાથી ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર ન મળતા તેમનું મોત નીપજે છે.

Advertisement

ત્યારે રાજકોટ શહેરમાં ગઇકાલે સાંજના સમયે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રકના ચાલકે બાઇકને ઉલાડતા ધો.12ના છાત્રનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યુ હતું. જ્યારે તેમના મિત્રને ઇજા થતા સારવાર અર્થે ખસેડાયો હતો. આ ઘટનામાં અકસ્માત સર્જી નાસી છૂટેલા ટ્રક ચાલક વિરૂદ્ધ પોલીસમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.

બનાવની વધુ વિગતો મુજબ શહેરના જામનગર રોડ પર આવેલા મનહરપુર પાસેના સરકારી આવાસના ક્વાર્ટરમાં રહેતા રાજ ચંદુભાઇ સમેરવા (કોળી) (ઉ.વ.17) ગઇકાલે તેમના મિત્ર સંજય સાથે બાઇક પર જામનગર રોડ પર આવેલા માતાજીના મંદિરે દર્શન કરવા ગયા હતા. ત્યાંથી સાંજના 6 વાગ્યે પરત ફરતા હતા.

ત્યારે જામનગર રોડ પર આવેલા દ્વારકાધિશ પેટ્રોલપંપની સામે પૂર ઝડપે આવેલા ટ્રકના ચાલકે બાઇકને ઉલાળતા રાજ અને તેનો મિત્ર સંજય રસ્તા પર ફંગોળ્યા હતા. જ્યાં રાજને શરીરે ગંભીર ઇજાઓ થતા તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે મિત્ર સંજયને ઇજા થતા તેમને સારવાર માટે હોસ્પિટલે લઇ જવાયો હતો. આ ઘટના બાદ અકસ્માત સર્જી ટ્રક ચાલક ફરાર થઇ ગયો હતો.

ઘટનાની જાણ થતા ગાંધીગ્રામ પોલીસ મથકના પીએસઆઇ પરમાર અને સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયા હતા અને યુવકના પરિવારજનોને જાણ કરતા તેઓ બનાવ સ્થળે પહોંચતા પુત્રનો મૃતદેહ જોઇ માતા-પિતા આઘાતમાં સરી પડ્યા હતા. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલે લઇ જવાયો હતો.પોલીસમાંથી જાણવા મળ્યુ હતુ કે, રાજ બે ભાઇમાં નાનો હતો અને જામનગર રોડ પર આવેલી શ્રેર્યસ સ્કૂલમાં ધો.12માં અભ્યાસ કરતો હતો.

આજે તેમની સ્કૂલ શરૂ થવાની હતી. જેથી ગઇકાલે રાજ તેમના મિત્ર સાથે માતાજીના મંદિરે દર્શન કરી ઘરે પરત ફરતો હતો ત્યારે અકસ્માત સર્જાયો હતો. રાજ બે ભાઇમાં નાનો હતો. આ ઘટના અંગે ગાંધીગ્રામ પોલીસ મથકમાં રાજના પિતા ચંદુલાલ વેલજીભાઇ સમેરવાની ફરિયાદ પરથી ટ્રક ચાલક વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. યુવાન પુત્રના મૃત્યુથી પરિવારમાં શોક છવાયો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement