કુપોષણનું કારણ ઝીરો ફિગર, આરોગ્યમંત્રીનું વિવાદાસ્પદ નિવેદન
કુપોષણ એ ગંભીર મુદ્દો છે. આંકડા સાબિત કરે છે ગુજરાતમાં કુપોષણનો આંકડો ચિંતાજનક રીતે વધી રહ્યો છે. પરંતુ લાગે છે કે આરોગ્ય મંત્રીને આ વિષય ગંભીર લાગતો નથી. પરંતુ રાજ્યના આરોગ્ય મંત્રીએ તેને ઝીરો ફીગર સાથે જોડીને કુપોષણની મજાક ઉડાવી છે. ગુજરાત વિધાનસભામાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, ઝીરો ફીગર મેળવવાની ઘેલછામાં લોકો કુપોષણનો શિકાર બની રહ્યાં છે.
આરોગ્ય મંત્રીએ કુપોષણ મુદ્દે વિધાનસભામાં કહ્યું કે, કુપોષણનો વિષય ગામડુ હોય કે શહેર, ઝીરો ફીગર મેળવવાના કારણે કુપોષણ થાય છે. સમૃદ્ધ જિલ્લામાં પણ કેસો જોવા મળ્યા છે. આપણા વિસ્તારમાં બધા સાથે લઈને મારુ ગામ કુપોષણ મુક્ત ગામ બને એવુ કરીએ. કુપોષિત મુક્ત ગામ અને મહોલ્લાનો સંકલ્પ કરીએ. સરકારના કરોડો રૂૂપિયા આપે છે. માતાઓ માટે પણ ચિંતા કરે છે. માતા મૃત્યુ દર વધતો હોય છે, બાળ મૃત્યુ દર વધતો હોય છે. આપણે આવી સ્થિતિમાં માતાની સંભાળ રાખવા માટે વ્યવસ્થા કરી છે. મોટાભાગે બાળકનુ મોત સાત દિવસમા થતુ હોય છે.
હકીકત તો એ છે કે, ગરીબોને બે ટંક જમવાનું પણ માંડ મળતુ હોય છે. આવામાં ગરીબ મહિલાઓ કેવી રીતે ઝીરો ફીગરનો વિચાર પણ કરે. માતા કુપોષિત હોવાથી બાળક કુપોષિત થાય છે, પરંતું તેનું કારણે ઝીરો ફિગર કેવી રીતે હોઈ શકે તે આરોગ્ય મંત્રી સમજાવે. આમ, ગુજરાતમાં કુપોષણની વાત આવી તો આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ઝીરો ફિગર પર ઢોળી દીધું.
ગુજરાત વિધાનસભા ગૃહમાં મહિલા અને બાળ કલ્યાણ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયાએ લેખિત જવાબ રજૂ કર્યો હતો. વિકાસની વાતો કરનારા ગુજરાતમાં કુલ 5,28,653 બાળકો કુપોષણનો શિકાર બન્યા છે. જેમાં સૌથી વધુ દાહોદ જિલ્લામાં 51321 બાળકો કુપોષિત છે. તો નવસારીમાં સૌથી ઓછા 1548 કુપોષિત બાળકો નોંધાયા છે. 29 જિલ્લામાંથી 24 જિલ્લામાં કુપોષણના દરમાં સુધારો જોવા મળ્યો છે. પરંતુ 97840 બાળકો કુપોષણમાંથી બહાર આવ્યા છે. રાજ્યના 4 જિલ્લામાં બાળકોના કુપોષણની સંખ્યામાં વધારો થયો છે. 4 જિલ્લામાં કુપોષણના 16069 બાળકો વધ્યા છે.
રાજ્યના સૌથી મહત્વના જિલ્લા અમદાવાદમાં 3516 કુપોષિત બાળકોનો વધારો થયો છે. ગૃહમાં રજૂ થયેલા આંકડાઓમાંથી નવસારીના આંકડાઓમાં વિસંગતતા જોવા મળી છે. કુલ 1548 કુપોષિત બાળકો સામે 5489 બાળકો કુપોષણમાંથી બહાર આવ્યાનું લેખિતમાં અપાયું છે. મહિલા અને બાળ કલ્યાણ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયાએ ગૃહમાં લેખિત જવાબ આપ્યો છે.
કુપોષણમાં દાહોદ જિલ્લો ટોપ પર
દેશના મોડલ સ્ટેટ ગુજરાતમાં જ કુપોષિત બાળકોની સંખ્યાનો ચિંતાજનક આંકડો સામે આવ્યો છે. ગુજરાતના 33 જિલ્લામાંથી 29 જિલ્લાના 5,28,653 બાળકો કુપોષિતથી પીડાતા હોવાનો સરકારે ખુલાસો કર્યો છે. રાજ્યના 4 જિલ્લામાં બાળકોના કુપોષણની સંખ્યામાં વધારો થયો હોવાનો ખુલાસો થયો છે. ત્યારે દાહોદ શહેર કુપોષણના લિસ્ટમાં ટોપ પર છે. દાહોદમાં સૌથી વધુ કુપોષિત બાળકો 51321 નોંધાયા છે.