જૂનાગઢમાં ઝાંઝરડા રોડ ટી.પી. સામે ઉગ્ર વિરોધ
જૂનાગઢ શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ 1976 મુજબ જૂનાગઢના ઝાંઝરડા રોડ વિસ્તારમાં ટીપી સ્કીમ નંબર 11 લાગુ કરવાનો ઇરાદો જાહેર કરવામાં આવેલ છે.ત્યારે ટીપી સ્કીમ નંબર 11 ને લઇ અહીંના સ્થાનિકોને તંત્ર દ્વારા નોટિસ પણ પાઠવવામાં આવેલ હતી. ત્યારે આ ટીપી સ્કીમ મામલે અહીંના સ્થાનિકો દ્વારા વ્યક્તિગત રીતે આ ટીપી સ્કીમ નો વિરોધ કરી તંત્રને 1600 થી 1700 વાંધાજનક અરજીઓ પણ રજૂ કરવામાં આવી હતી. ત્યારે આજે ઝાંઝરડા રોડ પર લગાવવામાં આવેલ ટીપી સ્કીમ નંબર 11 ના વિરોધમાં સ્થાનિકો દ્વારા રેલી યોજી કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે જુનાગઢ શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા રજૂ કરાયેલ નકશામાં જુનાગઢ તથા ઝાંઝરડા ગામની ખેતીની જમીનને આવરી લેવામાં આવી છે પરંતુ આ ટીપી સ્કીમ નંબર 11 નકશામાં સમાવેશ કરેલ મોટાભાગની જમીનોમાં વિકાસ થયેલ છે તેમજ સ્થાનિકો દ્વારા બાંધકામ પણ કરવામાં આવ્યું છે જે ના માટે સ્થાનિકો દ્વારા બેંકમાંથી લોન લઈ સબસીડી પણ મેળવવામાં આવી છે.ત્યારે અહીંના સ્થાનિકોને તંત્ર દ્વારા લાગુ કરવામાં આવેલ ટીપી કીમ નંબર 11 નો વિરોધ કરવામાં આવી રહ્યો છે.
બીજી તરફ આ ટીપી સ્કીમ નંબર 11માં દર્શાવવામાં આવેલા બિનખેતી થયેલ જમીનના લેઆઉટનો સમાવેશ કરવાનો હોય છે. તેમ છતાં બિનખેતી લે આઉટમાં કપાસ તથા સાર્વજનિક પ્લોટ અને રહેણાંક મકાનોની કપાત કરવામાં આવી છે. ત્યારે આ મામલે રાજ્ય સરકારના અધિકારી દ્વારા અહીંના સ્થાનિકોને કોઈ વિગતવાર માહિતી આપેલ નથી. ત્યારે તંત્ર દ્વારા ટીપી સ્કીમ નંબર 11 મામલે સ્થાનિકોની મંજૂરી મેળવવામાં આવી નથી અને કોઈપણ જાતની જાણકારી પણ આપવામાં આવી નથી તેવું આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેને લઇ આજે ઝાંઝરડા રોડ પરના રહીશો દ્વારા ટીપી સ્કીમ નંબર 11નો ઉગ્ર વિરોધ કરી રેલી યોજી કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.
સ્થાનિક આગેવાનોએ જણાવેલ કે આ વિસ્તારમાં મધ્યમ વર્ગના લોકોના છેલ્લા ઘણા સમયથી જે મકાનો આવેલા છે તે મકાનો લોન પર લીધેલા છે જેમાં હાલમાં મધ્યમ વર્ગના લોકો રહે છે. ત્યારે તંત્ર દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે ટીપી સ્કીમ લાગુ થવાથી આ તમામ મકાનો પાડી નાખવામાં આવશે. અગાઉ પણ અહીંના સ્થાનિકો દ્વારા 1600 થી 1700 વાંધા અરજી રજૂ કરવામાં આવી હતી.ત્યારે અધિકારીઓ દ્વારા માત્ર ઓફિસમાં બેસી અને કાગળ પર કાર્યવાહી ન કરે અને સ્થળ પર આવી તપાસ કર્યા બાદ યોગ્ય કાર્યવાહી કરે તેવી અમારી માંગ છે. આવનાર સમયમાં ટીપી સ્કીમ મામલે યોગ્ય નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની સ્થાનિકોની તૈયારી છે.