ભાવનગરમાં વડાપ્રધાનના રોડ શોનું હોર્ડિંગ ખાબકતા યુવકને ગંભીર ઇજા
ભાવનગર શહેર એરપોર્ટ વિસ્તારમાં આવેલા અજયવાડી વિસ્તારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શો માટે લગાવવામાં આવેલું એક હોર્ડિંગ અચાનક તૂટી પડતા એક યુવકને ગંભીર ઇજા પહોંચી છે. આ ઘટનામાં 30 વર્ષીય જયેશભાઈ કરમણભાઈ ગોહેલ ઈજાગ્રસ્ત થયા છે અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, રવિવારે બપોરના 2 વાગ્યાના અરસામાં જયેશભાઈ પોતાનું સ્કૂટર લઈને અજયવાડી પાસેથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે વડાપ્રધાનના રોડ શો માટે લગાવવામાં આવેલું એક વિશાળ હોર્ડિંગ અચાનક તેમની માથા પર પડ્યું હતું. હોર્ડિંગના વજનથી જયેશભાઈનું સંતુલન બગડ્યું અને તેઓ સ્કૂટર સાથે જમીન પર પટકાયા હતા. આ ઘટનામાં તેમના માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી છે.
સ્થાનિકોએ તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી જયેશભાઈને સારવાર માટે ખસેડ્યા હતા. હાલ તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેમની હાલત ગંભીર હોવાનું તબીબો જણાવી રહ્યા છે.
આ ઘટનાને પગલે કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે સોશિયલ મીડિયા પર આ ઘટના અંગે પોસ્ટ કરીને સરકારની બેદરકારી પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે માંગ કરી છે કે બેદરકારીથી ઉભા કરાયેલ હોર્ડિંગ માટે જવાબદાર વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને ઇજાગ્રસ્ત યુવકને પૂરતું વળતર આપવામાં આવે.