મહિલા કોલેજ અન્ડર બ્રિજ પાસે અકસ્માતમાં ઘવાયેલા યુવકનું મોત: મિત્રને ઈજા
શહેરમાં જીવલેણ અકસ્માતમાં વધુ એક યુવકનું મોત નિપજયું હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. શહેરના છેવાડે રહેતા બે મિત્રો ગઈકાલે મધરાત્રીના બાઈક લઈ ઘરેથી નાસ્તો કરવા નીકળ્યા હતા. તે દરમ્યાન મહિલા કોલેજ અન્ડર બ્રિજમાં અકસ્માત થતા તાકિદે સારવાર અર્થે ખસેડતા એક યુવકનું મોત નિપજયું હતું. જયારે એકને ઈજા પહોંચી હતી બનાવના પગલે પોલીસ સીસીટીવી આધારે વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શહેરની ભાગોળે આવેલા પરાપીપળીયા ગામની એકતા સોસાયટીમાં રહેતો વિમલ અશોકભાઈ આશરા (ઉં.વ.27) અને તેનો મિત્ર ભાવિક પરસોત્તમભાઈ રાઠોડ (ઉં.વ.22) બન્ને મિત્રો ગઈકાલ રાત્રીના દોઢ વાગ્યા આસપાસ ઘરેથી બાઈક લઈ રેસકોર્ષ ચકકર મારી કાલાવડ રોડ પર આવેલ હોટેલ પર નાસ્તો કરવા જતા હતા. તે દરમ્યાન (મહિલા કોલેજ અન્ડરબિજ - નીચે અકસ્માત થતા બન્ને માથે-શરીરે ઈજા પહોંચતા તાકિદે 108 મારફતે સારવાર અર્થે સિવિલ હોસ્પિટમાં ખસેડાયા હતા.
જયાં ફરજ પરના તબીબે વિમલને તપાસી મૃત જાહેર કર્યો હતો. યુવકના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. જયારે તેનો મિત્ર ભાવિકને જડબાના ભાગે ગંભીર ઈજા પહોંચતા સારવાર હેઠળ રખાયો છે. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. બનાવ અંગેની જાણ થતા કે.જી.ઝાલા સહિતના દોડી જઈ અકસ્માતનું કારણ જાણવા સીસીટીવી આધારે વધુ તપાસ હાથ ધરી છે.