માળિયા હાટીના નાગાગુરુ મહાદેવ મંદિર નજીક મેઘલ નદીમાં ટંકારાના યુવાનનું મોત
જુનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકામાં આવેલા નાગાગુરુ મહાદેવ મંદિર પાસેની મેઘલ નદીમાં નાહવા ગયેલા મોરબી ટંકારાના એક યુવકનું ડૂબી જવાથી કરુણ અવસાન થયું છે. આ ઘટનાથી સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
મળતી માહિતી મુજબ, મોરબી જિલ્લાના ટંકારા ગામના રહેવાસી બિપિનભાઈ રસિકભાઈ મહેમદાણીયા (ઉંમર 40) પોતાના બે મિત્રો સાથે ચોરવાડના પ્રવાસે આવ્યા હતા. તેઓ નાગાગુરુ મહાદેવ મંદિરની બાજુમાં આવેલી મેઘલ નદીમાં નાહવા ગયા હતા. બિપિનભાઈ એકલા જ નદીમાં ઉતર્યા હતા, જ્યારે તેમના બે મિત્રો કિનારે ઊભા હતા. નદીમાં નહાતી વખતે બિપિનભાઈ અચાનક પાણીના પ્રવાહમાં ફસાઈ ગયા અને જોતજોતામાં ડૂબી ગયા હતા.
આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને માછીમારોએ તાત્કાલિક શોધખોળ હાથ ધરી હતી. લગભગ ત્રણ કલાકની જહેમત બાદ બિપિનભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ચોરવાડની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ કરુણ ઘટના અંગે માળિયા હાટીનાના મામલતદાર કે.કે. વાળાને જાણ કરવામાં આવી હતી. તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમણે મૃતકના વતન ટંકારા ખાતે તેમના પરિવારજનોને આ દુર્ઘટનાની જાણ કરી હતી. આ ઘટનાથી પરિવારમાં અને મિત્રવર્તુળમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.